Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અધિક કલેકટર ચંદ્રકાંતની જામીન અરજી કોર્ટે ફગાવી

આરોપી સામે પ્રથમદર્શિય કેસ નોંધાયો : ૨૦૧૯માં ભ્રષ્ટાચારના કેસ પછી અમદાવાદ એસીબીને અપ્રમાણસર મિલકતો શોધી કાઢવા તપાસ સોંપાઈ હતી

સુરેન્દ્રનગર,તા.૨૭ :  સુરેન્દ્રનગર જિલ્લાના અત્યાર સુધીના સૌથી મોટા બામણબોર જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ બાદ એસીબીએ કરેલી તપાસમાં તેમની પાસે આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ એટલે કે રૂ. ૬,૭૪,૦૮,૨૧૩ની બેનામી સંપત્તિ હોવાનો ઘડાકો કર્યો છે. ત્યારે આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા ચંદ્રકાંત પંડ્યાએ કરેલી રેગ્યુલર જામીન અરજી સ્પે. એસીબી કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે પ્રથમદર્શય કેસ બને છે જેની તપાસ ચાલી રહી છે ત્યારે આ તબક્કે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.વર્ષ ૨૦૧૯માં ભ્રષ્ટાચાર અંગે કેસ નોંધાયા પછી અમદાવાદ એસીબીના અધિકારીને અપ્રમાણસર મિલકતો શોધી કાઢવા તપાસ સોંપાઈ હતી.

              તપાસ બાદ અમદાવાદ એસીબી ખાતે ચંદ્રકાન્ત પંડ્યા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિનાઓ પછી તા.૧૫-૮-૨૦૨૦માં ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયા હતા. અદાલતે ચંદ્રકાન્ત પંડ્યાને જેલહવાલે કરવા આદેશ કર્યો છે. જ્યાંથી નિર્દોષ હોવાનો મુદ્દો ઉઠાવી ચંદ્રકાંત પંડ્યાએ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જેની સામે એસીબીએ એફિડેવીટ ફાઇલ કરી એવી રજૂઆત કરી હતી કે, આરોપી સામે તપાસ કરતા ચંદ્રકાંત પંડ્યાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન ૬.૭૪ કરોડની અપ્રાણસર મિલકતો વસાવ્યાનું જણાઈ આવ્યું હતું, આરોપીએ પોતાની ફરજની રૂએ કામ નહીં કરી ભ્રષ્ટાચાર આચરી મિલકત વસાવી છે, આ મામલે હજુ તપાસ જારી છે, આરોપી પૂર્વ અધિકારી છે, જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરે અથવા સાક્ષી ફોડે તેવી શક્યતા છે ત્યારે જામીન ન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.

 

(10:40 pm IST)