Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કચ્છમાં વધુ ૨૭ કેસ અને ૨ મોત- કોરોનાના વધતા જતા ખોફ વચ્ચે આંકડાઓ છુપાવવાની રમત હોટસ્પોટ એરિયામાં લોકોને તકેદારી રાખવાની અપીલ કરનાર કલેકટર કોરોના અંગેની માહિતીની પારદર્શકતા બાબતે ચૂપ

(ભુજ) કચ્છમાં કોરોનાનો ખોફ વધી રહ્યો છે, તે સાથે જ ક્યાંક લોકોમાં પણ બેદરકારી વધી છે, તો તંત્ર પણ કોરોનાના મોતના આંકડાઓની ઉલટફેરમાં વ્યસ્ત છે. જોકે, સતત વધતા કેસો વચ્ચે કચ્છના કલેકટર પ્રવિણા ડીકે એ હોટસ્પોટ વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.

 તો, કોવિડ ૧૯ ની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લોકો માટે દંડ સહિતના સૂચનો કર્યા હતા. જોકે, કલેકટરે તંત્ર દ્વારા કોવિડ ૧૯ ના કેસોની માહિતી સંદર્ભે દર્શાવાતી વિસંગતતા તેમ જ પારદર્શકતા સંદર્ભે બોલવાનું ટાળ્યું હતું. કચ્છમાં કોરોનાના દર્દીઓના મોતના આંકડા છુપાવાઈ રહ્યા છે.

 જિલ્લા તંત્ર દ્વારા રાજ્યના કોવિડ ડેશબોર્ડ ને અપાતી માહિતીમાં પણ વિસંગતતા જોવા મળે છે. બે દિવસ દરમ્યાન થયેલા ૪ મોત પૈકી અત્યારે બે મોતની વિગતો જ જાહેર કરાઈ છે. 

જેમાં ભુજના ૬૦ વર્ષીય પ્રફુલ શાંતિલાલ સલાટ અને ભુજના બીજા દર્દી ૪૭ વર્ષીય રેણુકા જગદીશ લાઠીગડાનો સમાવેશ થાય છે. બિન સત્તાવાર મોતનો આંક ૬૨ થાય છે, પણ તંત્રના ચોપડે ૪૪ મોતનો આંકડો અપાય છે.

 જોકે, અત્યારે એક્ટિવ કેસ ૨૬૫ અને સાજા થયેલા દર્દીઓ ૮૮૮ બન્નેનો સરવાળો કરી કુલ દર્દીઓ ૧૨૧૫ માંથી બાદ કરીએ તો જે ૬૨ દર્દીઓની સંખ્યા  (મોતને કારણે) ઘટી તે મોતના આંકડાના તફાવત નો ખ્યાલ આવી જશે.

(9:24 am IST)