Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

નવી શિક્ષણ નીતિ: જ્ઞાન સાથે કૌશલ્યના સમન્વય દ્વારા કારકિર્દી ઘડતર

સમયના બદલાવને સારી રીતે સમજી શકનાર નરેન્દ્રભાઈનો નિર્ણય ભાવિ પેઢીને શૈક્ષણિક કારકિર્દી સાથે મનપસંદ કૌશલ્યમાં નિપુણ બનાવી સ્વનિર્ભર બનાવવા માટે ચાવીરૂપ

ભુજ : વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવા અને હિમતભર્યા નિર્ણયો લેવાનું જોખમ ઉઠાવવા માટે જાણીતા છે. અત્યારે તેમનો એવો જ એક હિમતભર્યો નિર્ણય દેશભરમાં ચર્ચામાં છે, એ નિર્ણય છે, નવી શિક્ષણ નીતિનો !!!  નવી પેઢીના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અત્યારે એ અંગેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, ત્યારે શિક્ષણક્ષેત્રમાં આવનારા આ બદલાવ વિશે જાણીએ. નવી શિક્ષણનીતિ માં અનેક મહત્વના બદલાવ છે, જેમાં મુખ્ય બદલાવ છે, ૫+૩+૩+૪ શિક્ષણ પદ્ધતિ, અત્યારે ૧૦+૨+૩ શિક્ષણ પદ્ધતિ અમલમાં છે. નવી શિક્ષણનીતિમાં પૂર્વ પ્રાથમિક સ્તરને શાળા સાથે જોડવામાં આવ્યું છે. હવે મહત્વના મુદ્દા જાણી લઈએ. (૧) માતૃભાષામાં શિક્ષણ, (૨) પ્રાથમિક શિક્ષણ સાથે જ વ્યવસાયલક્ષી શિક્ષણ, (૩) ધો૧૦, ધો.૧૨ ની બોર્ડ પરિક્ષાઓનું ભારણ વિદ્યાર્થીઓ પરથી ઘટાડવા પ્રયાસ, (૪) ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા એક સામાન્ય પ્રવેશ પરીક્ષા, (૫) એક સાથે અલગ અલગ પ્રવાહની પસંદગીની તક, દા.ત. વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી કોમર્સ, આર્ટ્સ કે લલિત કલા ક્ષેત્રમાં પણ પ્રવેશ મેળવી અભ્યાસ કરી શકશે, (૬) કોલેજના અભ્યાસ ક્ષેત્રે ખૂબ જ મોટો બદલાવ હોય તો તે છે, મલ્ટી એન્ટ્રી એન્ડ એક્ઝિટ પોઈન્ટ, એટલે,કે કોલેજના દરેક વર્ષનું અલગ ડીગ્રી સર્ટિફિકેટ મળશે, તો અધૂરું ભણતર છોડી ચુકેલાઓ ફરી ઈચ્છે ત્યારે અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકશે. 

આઝાદી પછી દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે ફેરફારો થતાં રહ્યા છે. નવી નવી શિક્ષણનીતિ વખતોવખત અમલમાં આવતી રહી છે. રાધાકૃષ્ણન પંચ, મુદ્દલિયાર કમિશન, કોઠારી શિક્ષણપંચ, ૧૯૬૮ માં ૧૧+૪ શિક્ષણ પદ્ધતિ, ૧૯૮૬ માં ૧૦+૨+૩ જે અત્યારે અમલમાં છે. ફરી નવી શિક્ષણનીતિની વાત કરીએ તો. માતૃભાષામાં ધો. ૧ થી ૫ નું શિક્ષણ આપવાની વાત સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ છે. શિક્ષણશાસ્ત્રીઓ પણ માને છે કે, માતૃભાષામાં શિક્ષણ આપવાની પહેલથી બાળકો માટે શિક્ષણ મેળવવું સહજ બનશે.

             વળી, ૬ ઠા ધો.થી જ વ્યવસાયિક શિક્ષણનો અને ખેતીનો પણ સમાવેશ કરાયો છે. જે નાની વયે જ વ્યવસાયિક કૌશલ્ય (સ્કિલ ડેવલોપમેન્ટ) માટેનો પાયો બનશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં વિધાર્થીઓ માટે ૧૦૦ % હાજરી, જ્યારે કોલેજ યુનિવર્સિટીમાં ૫૦ % હાજરીની જોગવાઈ છે . એટલે, અન્ય કામ કે નોકરી કરતા કરતા પણ વિદ્યાર્થી કોલેજનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. મલ્ટી સબ્જેક્ટ અને મલ્ટી સ્ટ્રીમનો વિકલ્પ રહેશે. એટલે કે, સાયન્સ પ્રવાહનો વિધાર્થી કોમર્સ કે આર્ટ્સ પણ ભણી શકશે. એજ રીતે, ઉચ્ચ શિક્ષણમાં ખૂબ જ મોટો ફેરફાર કે બદલાવ હોય તો તે કોલેજના દરેક વર્ષ માટેના સર્ટિફિકેટનો છે. અત્યારે એફ.વાય. કે એસ.વાય. પછી અભ્યાસ છોડનારને ડીગ્રી મળતી નથી. ત્રણ વર્ષ સફળતા સાથે પૂર્ણ કરનારને જ બેચલરની ડીગ્રી મળે છે.

             પણ, નવી શિક્ષણનીતિમાં મલ્ટી લેવલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે, કોલેજનું એક વર્ષ પૂર્ણ કરનારને સર્ટિફિકેટ કોર્સનું પ્રમાણપત્ર, બીજું વર્ષ પૂર્ણ કરનારને એડવાન્સ કોર્સનું, ત્રણ વર્ષ પૂર્ણ કરનારને બેચલર ડીગ્રી જ્યારે ચાર વર્ષ પૂર્ણ કરનારને રિસર્ચ ડીગ્રીનું પ્રમાણપત્ર મળશે. વિદ્યાર્થીઓ કોલેજનો અધૂરો મુકેલો અભ્યાસ આગળ વધારવા ફરી મલ્ટી લેવલ એન્ટ્રી લઈ શકશે અને આગળ ભણી શકશે. વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ નોકરી સાથે અભ્યાસ, રસ ધરાવતા વિષયોની પસંદગી, જ્ઞાન અને કૌશલ્ય દ્વારા સ્વનિર્ભર બનાવી રોજગારી સાથે કારકિર્દી સાથે જીવન ઘડતર માટેની એક ઉત્તમ તક પુરી પાડશે. જોકે, છેલ્લે છેલ્લે એક મહત્વની જોગવાઈની પણ વાત કરીએ તો જીડીપીના ૬ % ખર્ચ શિક્ષણ માટે ખર્ચવાની અને ૨૦૩૦ સુધી મલ્ટી સબ્જેક્ટ હાઈલી ઇન્સ્ટીટયુટ ઉભા કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે.સમયના બદલાવને સારી રીતે સમજી શકનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈનો નિર્ણય ભાવિ પેઢીને ભાર વગરના ભણતર દ્વારા ઓન લાઈન અને ડિજિટલ શિક્ષણ મારફતે શૈક્ષણિક કારકિર્દી સાથે મનપસંદ કૌશલ્યમાં નિપુણ બનાવી સ્વનિર્ભર બનાવવામાં ચાવીરૂપ સાબિત થશે.

 

સંકલન : વિનોદ ગાલા - ભુજ

(9:56 am IST)