Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વઢવાણમાં મુખ્યમંત્રી કિશાન સહાય યોજના માટે માર્ગદર્શન આપતા પાણીપુરવઠા મંત્રી બાવળીયા

સુરેન્દ્રનગર તા.૨૮ : મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી વિભાગની નવી યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરવાના હેતુસર પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને વઢવાણ સ્થિત એપીએમસી ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ૯.૩ ટકા સરેરાશ કૃષિ વિકાસ દર સાથે ગુજરાત દેશભરમાં મોખરે છે તેમજ કપાસ અને મગફળીના ઉત્પાદનમાં ૩૦ ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશમાં નંબર વન છે. વધુમાં મંત્રીએ જણાવ્યુ હતુ કે, ધરતીપુત્રોના સમગ્રતય વિકાસ માટે સાત પગલા ખેડૂત કલ્યાણના સુત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજય સરકાર મકકમતાથી આગળ વધી રહી છે.

આ તકે મંત્રીશ્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિગતે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ યોજનાનો લાભ રાજયના તમામ ખેડૂતોને આ વર્ષની ખરીફ સિઝન માટે તેમના દરેક પાક માટે મળવાનો છે. આ યોજના અંતર્ગત ખેડૂતોએ આ કોઇપણ પ્રકારનું પ્રિમીયમ કે નાણાકીય હિસ્સો આપવાનો નથી. વધુમાં તેમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના યોગ્ય અમલીકરણ માટે ખેડૂતોને જાણકારી આપવા માટે ટોલ ફ્રી નંબરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે તેમ ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન કરતા સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યુ હતુ કે ખેડુત હિતલક્ષી અનેકવિધ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક પગભર બનાવવા કેન્દ્ર અને રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ સ્વાગત પ્રવચન તેમજ નાયબ ખેતી નિયામક ડી.એ.પટેલે આભારવિધી કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ઘનજીભાઇ પટેલ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હડ્ડા, અગ્રણી જયેશભાઇ પટેલ, ઘનશ્યામભાઇ પટેલ, ભૂપતભાઇ બરીયા, કમલેશભાઇ હાંડી, ખેંગારભાઇ ડોડીયા સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(11:31 am IST)