Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુરેન્દ્રનગરની પીડિતાનું ઇડર પોલીસે નિવેદન લીધું

મહિલાને સાથે રાખી ઘટનાસ્થળનું પંચનામું કર્યુ

વઢવાણ,તા.૨૮ : ઇડર પાવાપુરી જલમંદિરના સાધુ રાજતિલક સામે સુરેન્દ્રનગરની મહિલા એ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ, પોલીસે બુધવારે સુરેન્દ્રનગર જઈ મહિલાનું નિવેદન લીધુ હતું. આ નિવેદનમાં મહિલાએ ફરિયાદમાં દર્શાવેલી હકિકતને સમર્થન આપતાં સાધુની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે.

ઉપરાંત ગુરૂવારે મહિલાએ રૂબરૂ ઇડરની કોર્ટમાં હાજર રહી મેજીસ્ટ્રેટ સમક્ષ પણ ૧૬૪ મુજબ નિવેદન આપ્યું હતું. પોલીસે મહિલાને સાથે રાખી ઘટનાસ્થળના પંચનામા સહિતની કાર્યવાહી પણ હાથ ધરી હતી.પાવાપુરી તીર્થના સાધુ રાજા મહારાજ ઉર્ફે રાજતિલક સામે અગાઉ વ્યભિચારની ફરિયાદ બાદ મંગળવારે રાત્રે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વ્યભિચારની ફરિયાદમાં જે તે મહિલાએ પોલીસ સમક્ષ ફેરવી તોળતાં  સાધુને રાહત મળી હતી. જો કે દુષ્કર્મની ફરિયાદમાં પણ આજ પ્રકારના નાટયાત્મક વળાંકની રાહ જોઈ રહેલ સાધુની હાલત કફોડી થઈ જાય તેમ છે.

સુરેન્દ્રનગરની ભોગ બનનાર મહિલાનું નિવેદન લેવા પહોંચેલી ઇડર પોલીસ સમક્ષ મહિલાએ ફરિયાદમાં દર્શાવેલી તમામ હકીકત સાચી હોવાનું જણાવ્યું હતું. મહિલાએ બેધડક પણે  રાજતિલકે તેની સાથે કરેલ વ્યવહારની હકિકત જણાવી, ફરિયાદમાં દર્શાવેલ તમામ બાબતો નિવેદનરૂપે લખાવી હોવાનું તપાસનિશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન ગુરૂવારે મહિલાએ રૂબરૂ ઇડરની કોર્ટમાં હાજર રહી મેજીસ્ટ્રેટ સમક્ષ સી.આર.પી.સી. ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવ્યું હતું. આ નિવેદનની કાર્યવાહી પુર્ણ થયા બાદ પોલીસે મહિલાને સાથે રાખી પાવાપુરી તીર્થ સ્થિત ઘટનાસ્થળના પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.મહિલાના નિવેદન આધારે સાધુ ફરતે ગાળિયો વધુ કસાય તેમ લાગી રહ્યું છે. પોલીસે સાધુના કોવીડ ટેસ્ટ બાદ ધરપકડની ગતિવીધિ તેજ કરી છે

(11:34 am IST)