Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાજુલાના હિડોરણા ફિડર લાઇનમાં ફોલ્ટથી ખેડૂતોને લાઇટ-સિંચાઇ પાણી મળવામાં ધાંધીયા

હિંસક પ્રાણીઓની અવર જવરને લઇ લાઇટ ન હોવાથી ખેડૂત પરિવાર ભય હેઠળ જીવે છે

(શિવરાજગોર દ્વારા)  રાજુલા તા.ર૮ : રાજુલા પીજીવીસીએલના હિડોરણા ફિડરમાં આવતી ભચાદર, ભેરાઇ લાઇન છેલ્લા પાંચ (પ) દિવસથી ફોલ્ટમાં હોય આ વિસ્તારની વાડીઓમાં રહેણાંક ધરાવતા તેમજ વાડીઓમાં હાલમાં પાક ઉભો હોય જેથી ખેડુતોમાં રહેતા, મજુરો, ભાગીયાઓ તેમજ ખેડુતોનો હેરાનગતી થઇ રહેલ છે.

આ વિસ્તારમાં સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ વસવાટ કરતા હોય અને આ વિસ્તારમાં લાઇટમાં અવાર નવાર ફોલ્ટ સર્જાતા હોય લાઇટના અભાવે ખેડુતોમાં રહેતા ખેડુતો ભયભીત સ્થિતિમાં રહે છે.

આ વિસ્તારના ફીડર હેઠળ આવતા ભચાદર તેમજ ભેરાઇના ખેડુતોને લાઇટ વગર જ રાત વિતાવી પડે છે. અને વાડી વિસ્તારોમાં રહેણાક વાળા લોકોને વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય, લોકોને અંધારામાં જ રાત ઉજાગરા કરવા પડે છે.

આ અંગે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને અવાર-નવાર રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાનું ભચાદરના સરપંચ તખુભાઇ, બદરૂભાઇ તથા કાળુભાઇ, જેઠાભાઇ, રામભાઇ, સાદુળભાઇ, મધુભાઇ, ભાણાભાઇ, મનુભાઇ, મધુભાઇ, ભાણાભાઇ, સાર્દુલભાઇ, માત્રાભાઇ, મામૈયાભાઇ, ભવનભાઇ, રાજપાલભાઇ દ્વારા જણાવવામાં આવેલ છે. આ અંગે તાત્કાલીક કામગીરી હાથ ધરીને યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(11:52 am IST)