Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાબળા જેવા મળતા પીવાના પાણીથી કેશોદની જનતાના આરોગ્ય ઉપર ખતરો

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ તા. ર૮: નગર પાલિકા દ્વારા મળતું પાણી રાબળા જેવું મળતું હોવાથી કેશોદની આશરે એક લાખની વસ્તી ઉપર આરોગ્યનો ગંભીર ખતરો ઉભો થયો છે.

આશરે એક લાખની વસ્તી છે અને નગર પાલિકાના મસ્ટર ઉપર નોંધાયેલા અને નહિં નોંધાયેલા આશરે રર હજાર જેટલા રહેણાકના મકાનો છે. આ તમામ નાગરીકો માટે પીવાના પાણીનો એકમાત્ર સોર્સ નગર પાલિકા તરફથી મળતું નળ દ્વારા પાણી છે. શહેરમાં અત્યારે કયાંયે અગાઉના કુવા રહ્યા નથી અને ભાગ્યેજ કોઇ જગ્યાએ પીવાનાં પાણી માટે ડંકી છે કુવા અને ડંકી ભૂતકાળની હકિકત બની ગયેલ છે અત્યારે સ્થાનિક કેશોદમાં આશરે પચાસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પરંતુ જો નગર પાલિકા દ્વારા સતત ૧૦ દિવસ નળનું પાણી ન આવે તો દેકારો બોલી જાય પીવાનું પાણી લાવવું કયાંથી?

પીવાના પાણીની આ સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી નળમાં જે પાણી આવે છે તે તદ્દન ખરાબ અને રાબળા જેવું આવે છે આ પાણી કોઇ વાસણમાં ભરી રાખો તો થોડીવારમાં વાસણના તળીયે સફેદ માટી દેખાવા માંડે છે આ માટી પીવાના પાણી સાથે માણસોના પેટમાં જાય છે અને તેના સીધા પરિણામે રોગોનો ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો છે.

અત્યારે એક તરફ કોરોનાનાં ખતરા વચ્ચે તો સ્થાનિક જનતા જીવી રહી છે દરરોજ લગભગ સરેરાશ ૮ કેઇસ આવે છે કોરોનાના કહેર વચ્ચે જીવતી સ્થાનિક જનતા ઉપર અત્યારે આ ડહોળા પાણીથી વધારાનું એક આરોગ્ય સબંધી સંકટ ઉભું થયું છે.

(1:01 pm IST)