Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

આટકોટના મર્ડર અને લુંટમાં પકડાયેલ એમપીના ૩ શખ્સોના રિમાન્ડ મંગાશે

રાજકોટ, તા., ૨૮: આટકોટના લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયાની હત્યા અને લુંટના ગુન્હામાં પકડાયેલ મધ્યપ્રદેશના ૩ શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

લાલજીભાઇ ખોખરીયા  તેની વાડીએ એકલા સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ મોતને ઘાત ઉતારી દાગીના અને રોકડ મળી ૭૦ હજારની લુંટ ચલાવી  હતી. આ ઘટનાનો  રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ  અજયસિંહ ગોહીલ, રૂરલ એસઓજીના પીએસઆઇ એસ.એમ.જાડેજા તથા આટકોટના પીએસઆઇ કે.પી.મહેતા સહીતની ટીમે ભેદ ઉકેલી નાખી મર્ડર અને લુંટમાં સંડોવાયેલ મૂળ મધ્યપ્રદેશના કાળુ ઉર્ફે મગન નાનબુભાઇ વસુમીયા, (રહે. હાલ ખાગેશ્રી, તાલુકો ઉપલેટા), નુરો ઉર્ફે ભુરો, અજય ઉર્ફે અજલો (રહે. હાલ વિરનગર)તથા મુનીમ ઉર્ફે મુન્નો  કેલસીંગ મંડલોય અને અન્ય ૩ સગીરો મળી કુલ ૬ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલ ઉકત શખ્સોએ ચોરી કરવા જતા  લાલજીભાઇ જાગી જતા અને પ્રતિકાર કરતા પતાવી દીધાની કબુલાત આપી હતી. બાદમાં ઘરમાં પડેલ રોકડ અને દાગીના લુંટી નાસી છુટયાની કેફીયત આપી હતી.

પકડાયેલ ૬ શખ્સો પૈકી મુખ્ય સુત્રધાર કાળુ ઉર્ફે મગન તથા નુરો ઉર્ફે ભુરો અને સાગ્રીત મુનીમ ઉર્ફે મુન્નાની આજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાનાર છે. વધુ તપાસ આટકોટના પીએસઆઇ કે.પી.મહેતા ચલાવી રહયા છે.

(12:04 pm IST)