Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સાવરકુંડલા બસ ડેપો પાસેના પરબની અજબ કહાની

એક ગાય રોજ નાન પાસે આવી જાતે નળ ખોલીને પાણી પીએ છે : સતારભાઇ અઢાર વર્ષથી સાર સંભાળ લ્યે છે !

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૮ : પાની રે પાની તેરા રંગ કૈસા, ઇન્સાનિયતમેં મિલા દો તો ઇન્સાનિયત જૈસા. વારિગૃહ, પ્યાઉ, પાણીનું પરબ હાલ મિનરલ વોટરનાં જમાનામાં લુપ્ત થતાં જાય છે ત્યારે હજુ પણ આ પાણીનાં પરબની પરંપરાને નિભાવતાં સાવરકુંડલા શહેરનાં જીવદયા પ્રેમીઓ. સાવરકુંડલા મહુવા રોડ પર આવેલાં બસ ડેપો પાસે આ જળનું આચમન કરીને કેટલાય તૃષાતુર આગંતુકો અને પ્રાણીઓની પ્યાસ બુઝાવતાં સાવરકુંડલા શહેરનાં સતારભાઈ અને સલીમભાઈ એટલે સેવાના સારથિ. આમ તો કાઠિયાવાડી પરંપરાનો મિજાજ જ કંઈ અલગ છે. અહીં સેવા એ શ્વાસ છે કાઠિયાવાડી પરંપરાનો.. હા, સાવરકુંડલા શહેરમાં આ પાણીનાં પરબની વિલુપ્ત થતી પરંપરાને આ સેવાભાવી બિરાદરોએ સંપૂર્ણરીતે નિભાવી જાણી છે. હા, આજનાં યુગમાં આવાં જાહેર નિઃશુલ્ક પાણીનાં પરબો ખૂબ ઓછા જોવા મળે છે. કારણ કે દેશ આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યો છે. એટલે 'મની હૈ તો હની હે.' એ જયારે જીવનમંત્ર થાય ત્યારે સેવાભાવના લુપ્ત થતી જાય કારણ કે આ સંદર્ભ પણ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં છૂપાયેલી હોય છે. એવાં કળિયુગમાં જયારે માનવતાં મ્હોરી ઊઠે એ પણ ખરેખર એક આશ્ચર્ય જ ગણાય. પરંતુ હજી પણ આ જગતમાં સેવાને પ્રાધાન્ય આપતાં લોકો છે. જેનાં મન મોટાં એવાં નોખાં મલકનાં માનવી જ આવુ સેવાકીય કાર્ય કરી શકે.

સતાર ભાઈ છેલ્લાં અઢારેક વર્ષથી અહીં પાણીનાં પરબની સેવા કરે છે અને તેનાં આ સેવાકીય કાર્યમાં સલીમભાઈ સાથ આપતાં જોવા મળે છે. હવે પાણીનું પરબ ચલાવવું એ પણ ઘણું પડકારજનક કામ તો છે. અને અહીં તો માત્ર માણસ માટે જ પરબ નહીં પરંતુ મુંગા પશુઓને માટે પણ એક સુંદર અને સ્વચ્છ પાણીથી ભરેલો હવેડો પણ છે. જો કે હાલ પાણીની વ્યવસ્થા પકવાન રેસ્ટોરન્ટ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. પરંતુ કયારેક નળ તૂટી જાય તો કયારેક પાણીની નાન પણ તૂટતી તો હોય જ.. આવી પરિસ્થિતિમાં આ બંને બિરાદરોએ સેવાભાવથી નાન કે નળની વ્યવસ્થા કરે છે અને લોકોને પીવાનું પાણી સતત મળી રહે તે માટે સતર્ક રહે છે. પોતે ખુદ હવેડો સાફ કરે છે અને મુંગા પશુઓને પણ સ્વચ્છ પાણી મળે તેનો અંગત ખ્યાલ રાખે છે. જો કે કૌતુક તો અહીં એ છે કે આ પાણીનાં પરબે એક ગાય નિત્યક્રમ મુજબ પાણી પીવા આવે છે અને સ્વયં ગાય પોતે પાણીનો નળ ખોલીને નળમાંથી નીકળતું પાણી પીવે છે અને પાણી પીધાં પછી એ જ ગાય પાણીનો નળ બંધ પણ જાતે કરી દે છે.. આમ પાણીનાં પરબની આ અનોખી કહાની સાવરકુંડલા શહેરના લોકોની સેવાભાવનાને પ્રદર્શિત કરે છે.

(1:07 pm IST)