Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમરેલી જીલ્લામાં ખેડુતોને સહાય ચુકવવા વિરજીભાઇ ઠુંમરની માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૭ : લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે ચાલુ ચોમાસાની સીઝનમાં મારા વિધાનસભા મતવિસ્તાર અમરેલી જિલ્લો તથા બાબરા, લાઠી પંથકમાં સારો વરસાદ થતા ખેડુતોએ પોતાના ખેતરોમાં વાવણી કરેલ ત્યારબાદ ૧પ-ર૦ દિવસ સુધી વરસાદ ખેંચાતા વાવણી કરેલ પાક/બિયારણ નિષ્ફળ ગયેલ, ફરી વરસાદ થતા બીજી વખત વાવેતર કરેલ ત્યાર બાદ ખુબ જ અતિવૃષ્ટિ સમાન વરસાદ થતા વાવેતર કરેલ પાકો સદંતર નિષ્ફળ ગયેલ છે અને આ વિસ્તારના મોટા ભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોઇ તેનું વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. આમ વરસાદ ખેંચવાથી અને અતિભારે વરસાદના કારણે બે વખત વાવેતર કરેલ પાકો નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહેલ છે. ચોમાસા દરમ્યાન બે વખત વાવેતર કરેલ પાકોની નુકશાનીનું સર્વે કરાવે ખેડૂતો સહાય મળે તેવી માંગ છે.

ભારત સરકારના કૃષિ મંત્રાલય સંસદીય સમિતિને સોંપવામાં આવેલ અહેવાલમાં સ્વીકાર્યુ છે કે, નોટબંધીથી ખેડૂતોની કમર તૂટી ગઇ છે. આમ ખેડૂતો સતત કુદરતી આફતો જેમકે ભારે વરસાદ, કોરોના મહામારી, તૌકતે વાવાઝોડુ તેમજ નોટબંધી વિ.નો સામનો આજદિન સુધી કરતો રહેલ છે અને તેઓને કોઇ વિશેષ સહાય સવલત કે લાભો આપવામાં આવતા નથી અને જયારે ઉદ્યોગો તેમજ અન્ય યુનિટ એકમોને સબસીડી વિગેરે પ્રકારની મોટા પાયે રાહત આપવામાં આવે છે. આ બધા ઉદ્યોગો ખેડૂતોની કૃષિ આધારિત પેદાશો ઉપર નભતા હોવાછતાં પણ ખેડૂતોને સરકર પ્રથમથી જ અન્યાય કરી રહેલ છે. ખેતીની અધોગતિ પાછળ ખુદ ભાજપ સરકાર છે અને ભારતની ખેતીની આજની દુર્દશા એ તેનું પરિણામ છે. ભાજપ સરકાર એવું કહી રહી છે કે, વર્ષ-ર૦ર૦ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઇ જશે જયારે એન.એસ.ઓ. રિપોર્ટ ર૦૧૯ બતાવે છે કે છ વર્ષમાં ખેડૂતની ખેતીમાંથી આવક ૪૮ ટકા ઘટીને ૩૮ ટકા થઇ છે. તેમ અંતમાં વિરજીભાઇ ઠુમરે જણાવ્યું છે.

(1:08 pm IST)