Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જામનગરના જામવંથલીમાં પોણા ચાર - પરડવામાં ૩ ઇંચ

હાલારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ : સર્વત્ર પાણી... પાણી...

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૮ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને પોણા ૪ ઇંચ વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ જામવંથલીમાં પોણા ચાર ઇંચ, પરડવામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

હાલારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી... પાણી.. થઇ ગયું છે. જામનગર જિલ્લાના ધુતાપરમાં અઢી ઇંચ, વસઇમાં ૨ ઇંચ, લાખાબાવળ - મોટી બાણુગાર - ફલ્લા - અલીયાબાડામાં દોઢ ઇંચ અને દરેડમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જોડિયાના પીઠડ અને બાલંભામાં દોઢ તથા હડીયાણામાં ઝાપટા પડયા છે. ધ્રોલના લતીપુર, જાલીયા દેવાણી અને લૈયારામાં ૨ ઇંચ વરસાદ પડયો છે. કાલાવડના મોટા પાંચ દેવડા, નિકાવા અને મોટા વડાળામાં દોઢ તથા ખરેડી, ભ.ભેરાજા, નવાગામમાં એક ઇંચ વરસાદ પડયો છે. જામજોધપુરના ધ્રાફામાં સવા ત્રણ ઇંચ, પરડવામાં ૩ ઇંચ, ધુનડા અને શેઠ વડાળામાં અઢી ઇંચ, વાંસજાળીયા અને સમાણામાં ૨ ઇંચ તથા જામવાડીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. લાલપુર તાલુકાના મોટા ખડબામાં પોણા બે, પીપરતોળામાં દોઢ તથા પડાણા, મોડપર - ડબાસંગમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો.

(1:09 pm IST)