Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભાવનગરની જિલ્લા જેલમાંથી સીમકાર્ડ વગરનો મોબાઇલ મળ્‍યો

ભાવનગર તા. ૨૭ : જિલ્લા જેલમાં રૂટિન ચેકીંગ દરમિયાન એક બેરેકમાં ચા માટેના થર્મોસમાં છુપાવી રાખેલો સિમ કાર્ડ વગરનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવતા ઇન્‍ચાર્જ જેલરે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્‍યો હતો.

ઇન્‍ચાર્જ જેલર બાબુભાઇ સી.સોલંકી અને જેલ સ્‍ટાફ આજે જેલ ખુલવાના સમયે રૂટિન ચેકીંગ કરતા હતા તે દરમિયાન બેરેક નં.૨ ની પાછળના ભાગે આવેલ નવી બેરેકના બીજા માળે આવેલ બેરેક નં.૩ માં ઝડતી માટે ગયા હતા ત્‍યારે જેલ સિપાઈ સંજયભાઈ એન.રાઠોડને ટી.વી.ની બાજુની દીવાલ પાસે ખાલી પડેલ ચા માટેના થર્મોસમાંથી નેપકીનમાં વીંટાળેલ સેમસંગ કંપનીનો બેટરી સાથેનો સીમકાર્ડ વગરનો કાળા કલરનો મોબાઈલ ફોન મળી આવ્‍યો હતો.

આ અંગે ઇન્‍ચાર્જ જેલર બાબુભાઇ સોલંકીએ નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્‍યા કેદી વિરૂદ્ધ ગુનો નોંધાવતા નિલમબાગ પોલીસેᅠ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઇન્‍ચાર્જ જેલર દ્વારા ઝડતીમાં મળેલ મોબાઈલ ફોન તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવા પણ ભલામણ કરવામાં આવી છે.

(11:45 am IST)