Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ડો. નીમાબેન આચાર્ય :સ્ત્રી રોગ નિષ્‍ણાંત તબીબ : સામાજિક કાર્યકરથી વિધાનસભાના પ્રથમ મહિલા સ્‍પીકર સુધીની સફળ સફર

સ્‍પીકર તરીકેના કાર્યકાળને આજે એક વર્ષ પૂર્ણ : ત્રણ સત્રની ૨૯ બેઠકમાં ફલોર ઉપર ૪૮૧૩ તારાંકીતઃ ૧૫૩૮ અતારાંકીત મળી ૬૩૫૧ પ્રશ્નોની ચર્ચા :ᅠ ઈ-બજેટની શરૂઆત સાથે ૧૮ ટન કાગળની બચતઃ હવેની વિધાનસભામાં પેપર લેસ કાર્યવાહીનુ આયોજન : દેશના તમામ મહિલા સાંસદો, ધારાસભ્‍યો સાથે મળીને બન્ને ગૃહમાં ૩૦ ટકા મહિલા પ્રતિનિધિત્‍વ માટે પ્રસ્‍તાવ : યુથ એસેમ્‍બલીનુ આયોજન

‘અકિલા'ના કચ્‍છના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે વાત કરતા વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય (તસવીર : દર્શનકુમાર ઠકકર, ભુજ)

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૨૭ : ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યએ આજે પોતાના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ત્‍યારે ગઈકાલે તેમણે પોતાના ભુજના નિવાસ સ્‍થાને ‘અકિલા'ના કચ્‍છ જિલ્લાના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે સ્‍પીકર તરીકેના પોતાના એક વર્ષના કાર્યકાળ અંગે મોકળા મને ચર્ચા કરી હતી. વિધાનસભા અધ્‍યક્ષ મટી એક સામાન્‍ય શ્રદ્ધાળુ ગૃહિણી તરીકે નાની બાલિકાઓના પૂજન કાર્યક્રમ સાથે તેમણે પ્રથમ નોરતે આદ્ય શક્‍તિની આરાધના કરી હતી.

તેમની વાતની શરૂઆત જ શક્‍તિના પ્રતીક સમી મહિલાઓના ઉલ્લેખ સાથે કરી હતી.સ્ત્રી સશક્‍તિકરણના સામાજિક કાર્યો દરમ્‍યાન રાજકારણમાં પ્રવેશનાર ડો. નીમાબેને આ પૂર્વે કચ્‍છના ગાંધીધામમાં ગાયનેકોલોજિસ્‍ટ તરીકે તબીબી પ્રેક્‍ટિસ શરૂ કરી હતી. પાંચ ટર્મ ધારાસભ્‍ય રહેલા ડો. નીમાબેન કચ્‍છ જિલ્લાની અબડાસા, અંજાર અને ભુજ એ અલગ અલગ બેઠકો ઉપરથી ચુંટણી જીતી ચૂક્‍યા છે. છેલ્લી બે ટર્મથી ભુજના ધારાસભ્‍ય છે.

તેમના ભત્રીજા અને ભાજપના યુવા અગ્રણી ધવલ આચાર્ય કહે છે કે, રાજકીય વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ તેઓ જયારે પણ ફુરસદ મળે ત્‍યારે તબીબ તરીકે દર્દીઓના નિદાન અને ઓપરેશન કરી લે છે.

દરમ્‍યાન ફરી વાતનો તંતુ સાધતા નીમાબેન કહે છે કે, રાજયની ૧૪મી વિધાનસભામાં અધ્‍યક્ષ તરીકેની કામગીરી તેમના માટે અનેકરીતે યાદગાર બની રહી. પ્રથમ વખત રાજયનું બજેટ વિક્રમજનક ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનું રહ્યું. પ્રથમ વખત જ ઈ-બજેટની શરૂઆત કરી ૧૮ ટન કાગળની બચત કરી. હવેની વિધાનસભાની કાર્યવાહી પેપરલેસ થાય એવું આયોજન કરાયું છે. ત્રણ સત્રની ૨૯ બેઠકો દરમ્‍યાન વિધાનસભા ફલોર ઉપર ૪૮૧૩ તારાંકીત અને ૧૫૩૮ અતારાંકીત મળી ૬૩૫૧ પ્રશ્નોની ચર્ચા કરાઈ. યુવા વર્ગમાં રાજકીય જાગૃતિ આણવા પ્રથમ વખત યુથ એસેમ્‍બલીનું આયોજન થયું. પ્રથમ જ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિજીએ સંબોધન કર્યું.

આઝાદીની લડતના શહીદ વીરો ભગતસિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરુને શ્રદ્ધાંજલિ આપતો સરકારી પ્રસ્‍તાવ ગૃહમાં ચર્ચાયો હતો. હિમાચલ પ્રદેશમાં સ્‍પીકર કોન્‍ફરન્‍સમાં શ્રેષ્ઠ રાજય વિધાનસભા માટેની કમિટીમાં સ્‍થાન મળ્‍યું. કેરલમાં દેશના તમામ મહિલા સાંસદો અને ધારાસભ્‍યોની બેઠકમાં બન્ને ગૃહોમાં મહિલાઓને ૩૦ ટકા પ્રતિનિધિત્‍વ માટે પ્રસ્‍તાવ કરાયો.

આસામમાં યોજાયેલ કોમનવેલ્‍થ પાર્લામેન્‍ટરી એસોસિયેશનના રાષ્ટ્રના વિકાસમાં દેશની યુવા શક્‍તિ વિશે પ્રવચન કરેલ. જયારે વિદેશમાં કેનેડામાં યોજાયેલ કોમન પાર્લામેન્‍ટ એસોસિએશનની બેઠકમાં સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ (સ્‍થાયી વિકાસ) માટે, પેન્‍ડેમિક (રોગચાળાની મહામારી) દરમ્‍યાન, બિલ્‍ડિંગ જેન્‍ડર સેન્‍સીટીવ પાર્લામેન્‍ટ માટેના દાયિત્‍વ વિશે પાર્લામેન્‍ટની ભૂમિકા અંગે વકતવ્‍ય આપ્‍યું હતું. રાજય વિધાનસભામાં પ્રથમ વખત શ્રેષ્ઠ ધારાસભ્‍ય માટેના એવોર્ડ શરૂ કરાયા અને જીતુભાઈ સુખડીયા તેમજ શૈલેષભાઈ પરમારને આ એવોર્ડ એનાયત કરાયા.

વાતનું સમાપન કરતા ડો. નીમાબેન કહે છે કે, દેશ અત્‍યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે ત્‍યારે અમૃત મહોત્‍સવના આ અવસરમાં મને વિધાનસભાના પ્રથમ મહિલા અધ્‍યક્ષ બનવાનું સદ્દભાગ્‍ય મળ્‍યું એ મારા માટે અત્‍યંત ગૌરવભરી વાત છે.

(11:49 am IST)