Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મહુવામાં નીકળેલ ખોજા સમાજના ધાર્મિક ઝૂલુસમાં નારા લગાવી ૪ શખ્‍સોએ ત્રાસ ફેલાવ્‍યો

ભાવનગર તા.૨૭ : મહુવા શહેરમાં રવિવારે રાત્રિના સમયે નીકળેલ ખોજા સમાજના ઝુલુસમાં નારા લગાવી ઝુલુસની વચ્‍ચે માતમ શરૂ કરાવી દેવાતા જુલુસમાં અડચણ ઊભી થઈ હતી. આ બનાવ અંગે ખોજા સમાજના આગેવાને જુલુસમાં અડચણ અને ત્રાસ ફેલાવનાર ચાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વિગતો મુજબ ખોજા શિયા ઇશ્ના અશરી જમાત દ્વારા રવિવારે રાત્રિના વફાત તકરીર અને ઝુલુસનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. ધાર્મિક કાર્યક્રમો બાદ ખોજા મિમ્‍બર થી પંજેતમી હોલ તરફ ઝુલુસ જઈ રહ્યું હતું ત્‍યારે સકીના પાસે મહમદરજા ફિદાહુસેન દાળિયાવાળા, નૂરઅલી શેરઅલી મુખી, ગુલો કડક, અબ્‍બાસ ઉર્ફે મૂડી સહિતના ૨૦ થી ૨૫ જેટલા માણસો તંત્રની મંજૂરી વગર સકીના હોલની અંદર તેમજ બહાર જોરથી માઈક વગાડી નારાઓ બોલી જુલુસની વચ્‍ચે આવી માતમ શરૂ કરાવી દઈ જુલુસમાં વિક્ષેપ પાડી સમાજના લોકોમાં ભય અને ત્રાસ ફેલાય તેવું કૃત્‍ય કર્યું હતું. દરમિયાન સમાજના આગેવાનો અને પોલીસે વચ્‍ચે પડી મામલો શાંત પાડ્‍યો હતો.

આ બનાવ અંગે ખોજા સમાજના આગેવાન કાઝીમ અબ્‍બાસ નિશારઅલી રાજાણીએ મહમદરજા ફિદાહુસેન દાળિયા, નૂરઅલી શેરઅલી મુખી ગુલો કડક અને અબ્‍બાસ ઉર્ફે મુડી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:57 am IST)