Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબી : ઇજનેરી કોલેજના અધ્યાપકો આંદોલનના માર્ગે, GTUમાં વિરોધ પ્રદર્શનના એંધાણ.

મોરબી :રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચની માંગ સાથે આંદોલનના માર્ગે ગયા છે. ગત તા.12 સપ્ટેમ્બરથી અધ્યાપકો દ્વારા ટ્વીટ કરીને કાળા કપડાં તથા કાળી પટ્ટી બાંધીને અને બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ કર્યો હતો. જેમાં મોરબીના શિક્ષકો પણ જોડાયા હતા.જે બાદ હવે તારીખ 27-09-2022 ના રોજ GTU ના લેકાવાડા કેમ્પસ ના ભૂમિપૂજન કાર્યક્રમમાં સરકારી અધ્યાપકો ખૂબ ઓછી હાજરીમાં દેખાય તેવી શક્યતા રહેલી છે. આ ઉપરાંત 29.09.2022 થી તા.12.10.2022 દરમ્યાન યોજાનાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36માં નેશનલ ગેમ્સમાં પણ અધ્યાપકોને શિક્ષણના ભોગે બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવેલ છે. જેનો અધ્યાયકો વિરોધ કરી રહ્યા છે.

ઇજનેરી કોલેજના અધ્યાપકો સળંગ નોકરી, 7મા પગાર પંચના ભથ્થા,CAS, બઢતી,બદલી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને લઈને અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે. છતાં નિરાકરણ આવ્યું નથી. એકાઉન્ટ વિભાગ સંબંધિત, હોસ્ટેલ સંચાલન સંબંધિત વિગેરે કાર્યનો બહિષ્કાર શરૂ કર્યો છે. જેની અસર દેખાવાની શરૂઆત થઈ ગયેલ છે. પોલિટેકનિકના ભાગે આવતા RTO ના લર્નિંગ લાઈસન્સની કામગીરી અટકી ગઈ છે. ત્યારે જોવાનું રહેશે સરકાર આ મામલે શું નિર્ણય લેશે.

 

(11:35 pm IST)