Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પોરબંદરમાં ઇન્‍ડીયન ઓવરસીઝ બેન્‍ક સાથે છેતરપીંડીમાં વધુ અન્‍ય શખ્‍સોની સંડોવણી અંગે તપાસ

નકલી સોનાના દાગીનાને અસલી બતાવનાર વેલ્‍યુઅર સહીત ૧૧ સામે ગુન્‍હો : બેન્‍કના વાર્ષિક ઇન્‍સ્‍પેકશનમાં ગીરવે મુકાયેલા દાગીના ખોટા હોવાનું ખુલ્‍યું

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮: હેડ પોસ્‍ટ ઓફીસની બાજુમાં ઇન્‍ડીયન ઓવરસીઝ બેન્‍ક શાખામાં છેતરપીંડીથી નકલી સોનાના દાગીના ઉપર ૪૦ લાખથી વધુ રકમની લોન મંજુર કરાવી લીધાની ગોલ્‍ડ વેલ્‍યુઅર સહીત ૧૧ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયા બાદ આ છેતરપીંડીમાં હજુ અન્‍ય શખ્‍સો સંડોવણીની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇન્‍ડીયન ઓવરસીઝ બેંકના મેનેજર ભીમસીંગ નયનસીંગ ચૌહાણે દાગીનાના વેલ્‍યુઅર મહેન્‍દ્ર અમૃતલાલ જોગીયા ઉપરાંત ૧૦ ખાતેદારો મનીશ મોહનભાઇ તેરૈયા, અજીત ધીરજલાલ દેવમુરારી, નિલેશ કાંતીલાલ રાઠોડ, બીપીનચંદ્ર જેન્‍તીલાલ સિધ્‍ધપુરા, નવાઝ બોદુ જોખીયા, યશ પ્રમોદભાઇ, યશ માલદેભાઇ બળેજા, વિપુલ કાનજી લાખાણી, હિતેશ નટુભાઇ પરમાર, રવિ મોહન કિશોર વગેરેએ અંગત ફાયદા માટે ઇન્‍ડીયન ઓવરસીઝ બેંકના વેલ્‍યુઅર સાથે મળીને પુર્વ આયોજીત કાવતરૂ રચીને બેંકમાં ખોટા દાગીના ગીરવે મુકીને લોન મેળવી લઇને ઠગાઇ કર્યાની ફરીયાદ નોંધાવી હતી. આ શખ્‍સોએ કુલ રૂા. ૪૦,૬૮,૦૦૦ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા હતા.

આ ફરીયાદમાં જણાવ્‍યા પ્રમાણે બેંક દ્વારા છેલ્લા બે વર્ષથી ગોલ્‍ડ પર લોન આપવાનું શરૂ કરાયું છે. સોનાના દાગીનાની વેલ્‍યુ નક્કી કરવા માટે કમલ બાગ પાસે રહેતા મહેન્‍દ્ર અમૃતલાલ જોગીયાની રીજનલ ઓફીસ દ્વારા તા.૮-૩-ર૧ના નિમણુંક કરવામાં આવી હતી. બેંકના વાર્ષીક ઇન્‍સ્‍પેકશન દરમિયાન ગીરવે લેવાયેલા દાગીનાની ચકાસણી કરવામાં આવતા ખોટા દાગીના ગીરવે લઇને લોન આપી દેવાયાનું ખુલ્‍યું હતું. ગોલ્‍ડ પર લોન લેનાર લોન ધારક પૈકીના પાંચે લોન ભરપાઇ કરી દીધી હતી. તો કેટલાકે થોડી રકમ ભરી હતી. ર૮ લોન ધારક પૈકીના દસ અને વેલ્‍યુઅર મળી ૧૧ સામે ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

(1:28 pm IST)