Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબી બેઠકમાં ઓબીસી સમાજને ટિકિટ આપો : ઓબીસી એકતા મંચની પ્રબળ માંગ.

ઓબીસી સમાજની બહોળી વસ્તી હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા ઓબીસી સમાજની થતી ધરાર અવગણના સામે આક્રોશ

 મોરબીમાં ઓબીસી ઉમેદવારની માંગ સાથે ઓબીસી સમાજ મેદાનમા આવ્યો છે. જેમાં મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ઓબીસી સમાજની બહોળી વસ્તી હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા ઓબીસી સમાજની થતી અવગણના સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો સમક્ષ ઓબીસી ઉમેદવારને પસંદ કરવાની રજૂઆત કરવામાં આવશે.
ઓબીસી એકતા મંચની યાદીમાં જણાવાયું છે કે, મોરબી વિધાનસભા 2022ની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજના લોકો પોતાના ઉમેદવારને પ્રાધાન્ય મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભા મતવિસ્તારમાં કાયમ માટે પાટીદાર ઉમેદવારોનું વર્ચસ્વ રહ્યું છે અને મુખ્ય બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર પર જ પસંદગી ઉતારે છે જેના કારણે મોરબીમાં છેલ્લા ઘણા દાયકાઓથી બંને પક્ષમાંથી એક જ સમાજના ઉમેદવારો ચૂંટાઈને આવે છે. મોરબીનાં ભૌગોલિક વિસ્તાર અને વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ ખાસ મોરબી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓબીસી સમાજનું ઘણી વિશાળ વસ્તી આવેલી છે.
ઓબીસી સમાજના નિષ્ઠાવાન ગાંધીવાદી આગેવાન ગોકળભાઇ પરમાર આઝાદી બાદ આ બેઠકનું પ્રતિનિધિત્વ સંભાળતા હતા પરંતુ ધીમે ધીમે રાજકારણમાં પલટો આવતા આ બેઠક પર એક જ સમાજના ઉમેદવારો ચૂંટાઇ રહ્યા છે ત્યારે હવે ફરી એકવાર અગામી વિધાનસભા 2022 ની ચૂંટણીમાં મોરબી વિસ્તારના ઓબીસી સમાજના આગેવાનોએ આ બેઠક પર ઓબીસી ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે માટે કમર કસી છે. આ વિસ્તારના જ્ઞાતિ ગણિતને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીમાં કોઇપણ ભોગે ઓબીસી ઉમેદવારને પોતાનો પ્રતિનિધિ બનાવી વિધાનસભામાં મોકલવા માટે ઓબીસી સમાજના આગેવાનો કૃતનિશ્ચય બન્યા છે. જ્ઞાતિ ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ઓબીસી સમાજમાંથી સથવારા સમાજ, આહીર સમાજ, કોળી સમાજ, પ્રજાપતિ સમાજ, માલધારી સમાજની વિશાળ વસ્તી આવેલી છે જેમાં કુલ મતદારોના 65% થી વધુ મતદારો ઓબીસી સમાજ સાથે જોડાયેલા હોવા છતાં પણ ઓબીસી સમાજની સતત થઈ રહેલી અવગણનાથી અહીંના સ્થાનિક આગેવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી જેમ જેમ નજીક આવી જાય છે તેમ તેમ ઓબીસી સમાજના આગેવાનોએ સાથે મળીને અગામી ચૂંટણીમાં મુખ્ય તમામ રાજકીય પક્ષોને ઓબીસી ઉમેદવારને પસંદગી કરવા માટે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે, અને જો તેમ નહીં થાય તો ઓબીસી સમાજના તમામ લોકો સાથે મળીને પોતાનો અલગ ઉમેદવાર ઉભો રાખશે તેવી પણ ઘોષણા આગામી સમયમાં કરવામાં આવશે તેવું ઓબીસી આગેવાનો દ્વારા જાણવા મળેલ છે. આ મોરબી વિધાનસભા મતવિસ્તારમાં પરંપરાગત એક સમાજના વર્ચસ્વને પડકારતો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોને પણ તેમની રણનીતિમાં ફેરબદલ કરવાની ફરજ પડે તો એ નવાઈની વાત નહીં ગણાય તેવું હાલના સંજોગો જોતા જણાઈ રહ્યું છે.

(11:27 pm IST)