Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ભાણવડમાં નારી સંમેલન યોજાયું

જામખંભાળિયા, તા. ૨૮ :. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા ગુજરાત રાજ્‍ય મહિલા આયોગના સંયુકત ઉપક્રમે ભાણવડ સ્‍થિત જલારામ વાડી ખાતે ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ દ્વારા નારી અદાલતના પ્રચાર-પ્રસાર માટે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશકતકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે હેતુથી નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.
આ પ્રસંગે આસિ. પબ્‍લિક પ્રોસીકયુટર સુમિત્રાબેન વસાવા દ્વારા નારી અદાલતની સમજણ તેમજ દહેજ અને પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા મહિલા સશકિતકરણ વિષય અને મહિલા વિષયક યોજનાઓ તથા બાળ વિકાસ યોજના અધિકારી જ્‍યોત્‍સનાબા જાડેજા દ્વારા આઈ.સી.ડી.એસ.ની વિવિધ યોજનાઓ બાબત તથા એડવોકેટ જેનામાબેને મફત કાનૂની સહાય ઉપયોગ પોસ્‍કો એકટ તથા તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. પ્રકાશભાઈ દ્વારા તથા મેડીકલ ઓફિસર સ્‍વાતિબેન સચદેવ દ્વારા કોરોના વેકસીનેશન જનજાગૃતિ અંગે ઉપસ્‍થિત મહિલાઓને માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત કાયદા હેઠળ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની વ્‍યકિત માનવોના ગેરકાયદેસરન વેપારનો ભોગ બનેલ વ્‍યકિત, ભિક્ષુકને સ્‍ત્રી અને બાળકોને, માનસિક રીતે બિમાર તથા ઔદ્યોગિક કામદાર, સંરક્ષણ ગૃહમાં રહેતી વ્‍યકિત, કિશોર ગૃહમાં રહેતી વ્‍યકિત, માનસિક રીતે અશકત અથવા અન્‍ય સરકારી કસ્‍ટડીમાં હોય તેવી વ્‍યકિત, કોઈપણ પ્રકારની પોલીસ અથવા સરકારી વ્‍યકિત કે જેની વાર્ષિક આવક રૂા. એક લાખથી વધારે ન હોય તેને કાનૂની સહાય મળી શકે તે અંગે ઉપસ્‍થિતોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રધ્‍ધાબેને સ્‍વાગત પ્રવચન કર્યુ હતુ અને આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ ચાવડાએ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિતોનું કિશોરીઓ દ્વારા કઠોળ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડયા, તાલુકા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રતાપભાઈ પીંડારીયા, પ્રોટોકોલ ઓફિસર હિરેનભાઈ પીંડારીયા અને આંગણવાડીની બહેનો તથા મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:10 am IST)