Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

હેપી બર્થ ડે ભુજ: આજે ૪૭૫ મો સ્થાપના દિન: અનેક ચડતી પડતી જોઈ ચૂકેલું ભુજ શહેર આજે વિકાસની વાટે અગ્રેસર

 ઐતિહાસિક અને ધાર્મિક વિરાસત ધરાવતું ભુજ પાંચ નાકા અને છઠ્ઠી બારીમાંથી આજે ૫૬ કીમી માં વિસ્તર્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

 દેશની પશ્ચિમી સરહદે આવેલા સૌથી વિશાળ જિલ્લા કચ્છનું પાટનગર ભુજ આજે અનેક ચડતી પડતી પછી પોતાની ઐતિહાસિક અને ધાર્મિક વિરાસતને કારણે દેશ વિદેશમાં જાણીતું છે. આજે માગશર સુદ ૫ ના પોતાનો ૪૭૫ મો સ્થાપ્ના દિવસ ઉજવી રહેલ ભુજ શહેર પાંચ નાકા અને છઠ્ઠી બારી માંથી વિસ્તરીને ૫૬ કીમી ના વિશાળ વિસ્તારમાં ફેરવાઈ ચૂક્યું છે. પોણા પાંચસો વર્ષ પહેલાં મહારાવ ખેંગારજી પહેલાએ હમીરાઈ તળાવડી ના કાંઠે કચ્છની રાજધાની ભુજ શહેરની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને તેની ખીલ્લી ખોડી. ત્યાર બાદ રાજાશાહીમાં દર વર્ષે ભુજ માં રાજવી દ્વારા ખીલ્લી પૂજન કરી સ્થાપના દિવસની ઉજવણી કરાતી હતી. આઝાદી બાદ ભુજના નગરપતિ દ્વારા ખીલ્લી પૂજન કરી સ્થાપના દિવસની ઉજવણી કરાય છે. ૨૦૦૧ ના ભૂકંપમાં ભાંગી ચૂકેલ ભુજ આજે શહેરના નવા બાંધકામ સાથે પૂર્ણ રૂપે વિકસિત મોટું શહેર બનવાની દિશામાં આગળ ધપી રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે ભુજ આજે દેશ વિદેશના ટુરિસ્ટ ડેસ્ટીનેશન નું ફેવરિટ ટુરિસ્ટ સીટી છે. ભુજની હસ્તકલા, મીઠાઈ અને ફરસાણ પ્રવાસીઓ માં હોટ ફેવરિટ છે. અનેક ચડતી પડતી જોઈ ચૂકેલું ભુજ શહેર આજે વિકાસની વાટે અગ્રેસર છે.

(10:18 am IST)