Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગોંડલમાં મતદારોને પ્રેરિત કરવા વિશિષ્‍ટ મતદાન મથકો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૮: જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જરૂરી વ્‍યવસ્‍થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ત્‍યારે મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવનાર છે. ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિヘતિ કરવા સખી મતદાન મથકની રચના કરવામાં આવશે. દિવ્‍યાંગ મતદાન મથકમાં તમામ દિવ્‍યાંગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી અર્થે પ્‍લાસ્‍ટિકમુક્‍ત ઈકો ફ્રેન્‍ડલી મતદાન મથક ઊભા કરવામાં આવશે. તેમજ આદર્શ મતદાન મથક વિશેષ સુવિધાયુક્‍ત બનાવવામાં આવશે.

૭૩-ગોંડલ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી કે. વી. બાટીએ જણાવ્‍યું છે કે ગોંડલ વિધાનસભા મતક્ષેત્રમાં મહિલાઓ સંચાલિત સાત મતદાન મથક સરસ્‍વતી શિશુ મંદિર, કે. બી. બેરા ગર્લ્‍સ સ્‍કૂલ, મહારાજા ભગતસિંહજી આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ, દાસી જીવણ વિદ્યા મંદિર, લોહાણા વિદ્યાર્થી ભવન (ભોજરાજપરા), ગંગોત્રી હાઈ સ્‍કૂલ (ગુંદાળા રોડ), સ્‍વામી નારાયણ ગુરુકુળ (ગુંદાળા રેલવે ગેટ પાસે) ખાતે, દિવ્‍યાંગો સંચાલિત એક મતદાન મથક દાસી જીવણ વિદ્યાલયના પ્‍લે હાઉસ (કૈલાશ બાગ) ખાતે, ઇકો ફ્રેન્‍ડલી પોલિંગ સ્‍ટેશન અટલ જનસેવા કેન્‍દ્ર (જેલ ચોક) ખાતે તેમજ એક આદર્શ મતદાન મથક કે. બી. બેરા કન્‍યા વિદ્યાલયના સ્‍ટાફ રૂમ (કોલેજ ચોક) ખાતે, બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોડેલ બૂથમાં મતદારો માટે વેઇટિંગ રૂમ તથા પીવાના ઠંડા પાણીની સુવિધા ઉપલબ્‍ધ હશે.

(10:24 am IST)