Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કુતિયાણા-રાણાવાવ બેઠક ઉપર ચતુષ્કોણીય ચૂંટણી જંગ

કુતિયાણા રાણાવાવ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં ર ટર્મથી ચૂંટાઇ આવેલા કાંધલ જાડેજા આ વખતે સમાજવાદી પક્ષમાંથી ઝુકાવ્યું : સામે પક્ષે ભાજપમાંથી ચૂંટણી લડતા ઢેલીબેન ઓડેદરા રપ વર્ષથી કુતિયાણા નગરપાલિકા પ્રમુખ પદે છે : કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા એ કોરાના કાળમાં અનેક દર્દીઓની સેવા કરીને લોકચાહના મેળવી છે : રબારી સમાજના આગેવાન ભીમાભાઇ મકવાણાએ ભાજપને રામરામ કરીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડીને ટક્કર આપી રહ્યાં છે

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા, તા. ર૮ :  કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠક ઉપર ચતુષ્કોણીય ચુંટણી જંગ કાંધલ જાડેજા (સમાજવાદી પક્ષ) ઢેલીબેન ઓડેદરા (ભાજપ) નાથાભાઇ ઓડેદરા (કોંગ્રેસ) તથા ભીમાભાઇ મકવાણા (આમ આદમી પાર્ટી) વચ્ચે ખેલાશેે.

કુતિયાણા-રાણાવાવ ૮૪ વિધાનસભાની ચૂંટણી કે જયાં બાહુબલી ગણાતા ઉમેદવાર કાંધલ જાડેજા (સમાજવાદી પક્ષ) સામે માલદેભાઇ રામભાઇ ઓડેદરાના ધર્મપત્નિ ઢેલીબેન ઓડેદરા ભાજપ તરફથી અને કોરોના કાળમાં દર્દીઓની સેવા કરનાર નાથાભાઇ ઓડેદરા કોંગ્રેસ તરફથી તેમજ આમ આદમી તરફથી ભીમાભાઇ મકવાણા વચ્ચે ચતુષ્કોણીય જંગ ખેલાઇ રહેલ છે.

ગુજરાતમાં અતિ સંવેદનશીલ બેઠકો જેને ગણવામાં આવે છે. તેમાં આ રાણાવાવ કુતિયાણા સીટનો સમાવેશ થાય છે.

ગત ર૦૧૯ ની ચૂંટણી વખતે કાંધલ જાડેજાએ તેમના પ્રતિસ્પર્ધી કે જે બોરીચા ગેંગના ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાના પુત્ર લક્ષમણભાઇ ઓડેદરાને ર૩,૭૦૯ મતે હરાવેલ હતા અને આ ચૂંટણીપૂર્ણ બાદ ચૂંટણીમાં પોતાની વિરૃધ્ધ કામ કરનાર સામતભાઇ ગોગનભાઇ ઓડેદરાને રાણાવાવ પોલીસ સ્ટેશનની અંદર મારમારવાનો આરોપ કાંધલ જાડેજા પર લાગેલ હતો. જેની ફરીયાદ નોંધાયેલ.

કુતિયાણા બેઠક ઉપર ગયા વખતે કાંધલ જાડેજા એન.સી.પી. તરફી ચૂંટણી લડયા પણ રાજયસભાની ચૂંટણી વખતે કાંધલ જાડેજાએ ભાજપ તરફી મતદાન કરેલ હતુ આ વખતે કાંધલ જાડેજા સમાજવાદી પક્ષ તરફથી ચૂંટણી લડી રેહલ છે. સતત બે ટર્મથી તેઓ વિધાનસભા તરીકે ચૂંટાઇ આવે છે.

સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી લડતા કાંધલ જાડેજા કુતિયાણા સીટ ઉપર જબ્બર વર્ચશ્વ ધરાવે છે. કાંધલ જાડેજાના દરબારમાં લોકો પ્રશ્ન લઇને જાય તો એક ફોનથી લોકોના કામ થઇ જાય છે. ઉપરાંત ઘેડ વિસ્તારમાં પણ વચર્સ્વ ધરાવે છે. કારણ કે ઘેડ વિસ્તારના ખેડૂતોને શિયાળામાં અમીપુર ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. તે પાણીના રૃપિયા આઠ લાખ ૮,૦૦,૦૦૦/- જેવી મોટી રકમ આ કાંધલ જાડેજા તરફથી ભરવામાં આવે છે. અને કાંધલ જાડેજાએ અગાઉ ચૂંટણી સભામાં જાહેરાત પણ કરેલ હતી કે હું ધારાસભ્ય હોઉ કે નહી પણ અમીપુર ડેમમાંથી પાણી છોડવાના રૃપિયા ૮,૦૦,૦૦૦/- હું જીવુ ત્યાં સુધી જીંદગીભર ભરી આપીશ આમ કાંધલ જાડેજા ખેડૂતોમાં મસીહા તરીકે ઉપસી ગયેલ છે.

સામે પક્ષ ભાજપ તરફથી લડતા ઢેલીબેન ઓડેદરા છેલ્લા રપ વર્ષથી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે કામ કરે છે. તેઓ કોટડા ગેંગના બાહુબલી માાલદેભાઇ રામભાઇના ધર્મપત્નિ છે. તેઓ અગાઉ અપક્ષ અને નાગરિક સમિતિના નેજા હેઠળ કુતિયાણા નગરપાલીકાના પ્રમુખ તરીકે ચૂટાતા હતા છેલ્લા પાંચ વર્ષથી તેઓ ભાજપમાં ભળેલા છે. તેઓનું પણ કુતિયાણામાં વચર્સ્વ હોવાનું કહેવાય છે. તેમના પુત્રો સહિત આ ચૂંટણી જીવા જબ્બર પ્રચાર પ્રચાર કરી રહેલ છે. ઢેલીબેન પણ જોરદાર ફાઇટ આપી રહેલ છે.

કોંગ્રેસ પક્ષ તરફથી નાથાભાઇ ઓડેદરા ચૂંટણી લડી રહેલ છે. તેઓ પોરબંદર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કામગીરી બજાવી ચુકેલ છે. અને કોરોના કાળમાં દર્દીઓની ખુબ સેવા કરેલ છે. લોકો ઘરના સભ્યોને કોરોના હોય તો પણ સેવા કરતા ડરતા હતા. તેવા સમયે નાથાભાઇ ઓડેદરા કોરોનાની બીક વગર માસ્ક પહેર્યા વગર સીવીલ હોસ્પિટલમાં લોકોની સેવા કરેલ હતી. અને તેઓની સેવાની આખા વિસ્તારમાં ચર્ચા થયેલ હતી નાથાભાઇની વિદેશમાં વસતી પુત્રી કે જે પાયલોટ તરીકે કામ કરે છે તે પણ છેલ્લા એક મહિનાથી અહી કુતિયાણા વિસ્તારના ગામોમાં પ્રવાસ કરી પિતા તરફી મતદાન કરવા લોકોને અપીલ કરી રહેલ છે.

આમ આદમી પાર્ટી તરફથી ભીમાભાઇ દાનાભાઇ મકવાણા ચૂંટણી લડી રહેલ છે તેઓ રબારી સમાજના આગેવાન અને પહેલા ભાજપમાં હતા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયેલ છે.

દેશભરના પ્રિન્ટ મીડીયા અને ઇલેકટ્રોનીક મીડીયાનાં પત્રકારો પણ ૮૪-કુતિયાણા રાણાવાવ સીટને મહત્વ આપી રહેલ છે અને પત્રકારોના ધાડેધાડા  ઉતરી પડેલ છે. અને કવેરજ માટે ઘેડ વિસ્તારના ગામડાઓ ખુંદી રહેલ છે. દેરભરના પત્રકારોએ પણ એવી નોંધ લીધેલ છે કે કાંધલ જાડેજાને હરાવવા મુશ્કેલ છે.

સાચી ખબર તો ડીસેમ્બર મતગણતરી વખતે પડશે. અત્યારે તો લોકો અને વહીવટી તંત્ર આ સીટની ચૂંટણીનું મતદાન શાંતિથી પતે તેવી વ્યવસ્થા ગોઠવાય છે.

 

(1:24 pm IST)