Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જાહેર પ્રચાર-પડઘમ શાંત થવાને આડે જુજ કલાકો બાકી : જૂનાગઢ જિલ્લામાં મતદારોનું મન અકળ

જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માણાવદર અને માંગરોળ બેઠકના ઉમેદવારો મુંઝવણમા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં જાહેર પ્રચાર-પડધમ શાંત થવાને આડે જુજ કલાકો બાકી છે. ત્‍યારે જૂનાગઢ જિલ્લામાં મતદારોનું મન અકળ છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ગત ૧૪ નવેમ્‍બરથી શરૂ થયેલી રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોની જાહેર પ્રચાર દોડ પર આવતીકાલ તા. ૨૯ના રોજ સાંજે પાંચ વાગ્‍યાથી બ્રેક લાગી જેમ જાહેર પ્રચાર-પ્રસાર કરી શકાશે નહિ અને પ્રચાર માટે ડોર ટુ ડોર દોડધામ શરૂ થશે.

 આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મતદારો સુસ્‍ત રહેતા રાજકીય પક્ષોની  ચિંતા અને મુંઝવણ વધી છે અગાઉની ચુંટણી જેવો મતદારોમાં કોઇ કરંટ નજરે પડતો નથી જો કે મતદાન ટકાવારી વધારવા માટે તંત્ર દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૧ લી ડિસેમ્‍બરના ચૂંટણી થવાની હોય તંત્ર દ્વારા મતદાર માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે.

જાહેર પ્રચાર પડધમ શાંત થવાનું કાઉન્‍ટડાઉન શરૂ થઇ ગયું છે. પરંતુ હજુ મતદારોએ તેમનું મન કળાવા દીધુ નથી જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માણાવદર અને માંગરોળ વિધાનસભા બેઠકની ચૂંટણી લડી રહેલ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર અને લોક સંપર્ક માટે તૈયારીઓ કરી લીધી છે.

જૂનાગઢ જિલ્લાની મોટાભાગની બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્‍યો છે આથી ઉમેદવારોએ જાહેર પ્રચારના બાકી રહેલા કલાકો એળે ન જાય. તે માટે એડીચોટીનું જોર લગાવ્‍યું છે.

(1:36 pm IST)