Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

અંજારની ગૃહિણીનું વશીકરણ કરી ૧.૨૭ લાખના દાગીના-રોકડ મેળવી અજાણી મહિલા ભાગી ગઈ

નશાકારક પાણી પીવડાવીને ગૃહિણીના દર-દાગીના અને રોકડા રપિયા મળી ૧ લાખ ૨૭ હજાર રૂપિયાની માલમત્તા ઠગાઈ કરી

અંજારમાં એક અજાણી મહિલા રાંદલ માતાની પૂજા કરવાના બહાને ગૃહિણીનું વશીકરણ કરી તેમજ નશાકારક પાણી પીવડાવીને ગૃહિણીના દર-દાગીના અને રોકડા રપિયા મળી ૧ લાખ ૨૭ હજાર રૂપિયાની માલમત્તા ઠગાઈ કરીને છૂમંતર થઈ ગઈ છે. ઘટના અંગે ગૃહિણીએ અંજાર પોલીસ મથકે અજ્ઞાત મહિલા વિરુધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

શહેરની હની બેકરી પાછળ આવેલા મધુબન પાર્કમાં રહેતાં ૪૫ વર્ષિય ચેતનાબેન શશિકાન્ત હડિયા (સોરઠીયા આહીર) ઘરે હાજર હતા ત્યારે સાંજે સવા ચારના અરસામાં તેમના ઘરે એક આધેડ મહિલા આવી હતી. આ મહિલાએ ચેતનાબેન જોડે રાંદલ માતાની પૂજા કરવી છે તેમ કહી વાત શરૂ કરી હતી. મહિલાની વાતોમાં આવી ગયેલાં ચેતનાબેન પાસેથી પૂજા કરવાના નામે તેણે હાથમાં પહેરેલાં ખોટા પાટલા, પાંચ તોલા સોનાનું મંગળસૂત્ર તેમજ ઘરમાં પડેલાં ૧૨ હજાર ૧૧૧ રૂપિયા લલચાવી-ફોસલાવી કઢાવ્યાં હતા.

મહિલાના વશીકરણથી વશ થયેલાં ચેતનાબેને તેને સોનાના દાગીના-રોકડ રોકડ આપ્યાં હતા. ત્યારબાદ આ મહિલાએ તેની પાસે રહેલું નશાકારક પાણી ચેતનાબેનને પીવડાવી દઈ દાગીના-રોકડ મળી ૧ લાખ ૨૭ હજારની માલમત્તા સાથે છૂમંતર થઈ ગઈ હતી.

હોશમાં આવ્યાં બાદ ઠગાઈનો ખ્યાલ આવતાં ચેતનાબેન અને તેમના સ્વજનોએ મહિલાની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે તેમણે આ મહિલા વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ રીતે ભુજ, માધાપર અને માંડવીમાં ગૃહિણીઓ સાથે છેતરપિંડી થઈ ચૂકેલી છે. ઘરે એકલી રહેલી મહિલાઓ આવી ધુતારી મહિલાઓથી સાવધ રહે તે આવશ્યક છે

(4:57 pm IST)