Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ

૩૧ મી મે ના રોજ સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં ૨૫૦૦ થી વધુ લોકો જનકલ્યાણની યોજનાઓનો હિસ્સો બનશે

મોરબી :મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને ૩૧મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ-સંવાદ કાર્યક્રમની સમાંતર યોજાનાર  જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ૩૧મી મે એ યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમની સાથે મોરબીમાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે યોજાયેલી બેઠકમાં કલેકટરએ વિવિધ વિભાગો પાસેથી સંલગ્ન વિગતો મેળવી હતી. કલેકટરશ્રી આ તકે વિવિધ યોજનાઓના વધુને વધુ લાભાર્થીઓ આ કાર્યક્રમનો હિસ્સો બની શકે તેમજ લાભાર્થીઓ મહાનુભાવો સાથે સીધો સંવાદ કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને પટેલ સમાજવાડી, રાજપર રોડ, શકત શનાળા ખાતે યોજાનાર છે જેમાં ૨૫૦૦થી વધુ લાભાર્થીઓ જનકલ્યાણની આ યોજનાઓનો હિસ્સો બનશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, વાંકાનેર પ્રાંત શેરસીયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, ડીવાયએસપી એમ.આઇ. પઠાણ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:37 pm IST)