Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

લખતર ભૈરવપરામાં વરસાદી પાણી ભરાવાથી કાદવ- કીચડ: લોકો તાહીમામઃ રોગચાળોનો ભય

કોરોનાની કહેર વચ્ચે મચ્છરનો ઉપદ્રવ વધતા ઘેર-ઘેર તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા

સુરેન્દ્રનગરના લખતર  શહેરના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા ભૈરવપરા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદી પાણીના નિકાલ ન હોવાથી પાણીના ખાડા, કાદવ, કીચડ અને ગંદકી ફેલાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ વિસ્તારમાં જ આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે. જે આંગણવાડી કેન્દ્ર પર હાલમાં રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ ચાલી રહયું હોય જેથી રસી લેવા આવતા વૃદ્ધ, વડીલો, તેમજ રહીશોને કાદવ કીચડમાંથી પસાર થઈને આવું પડે છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ હજુ તો ચોમાસાની શરૂઆત થતાં કાદવ કીચડ ગંદકી ફેલાવાના કારણે લોકોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહેવાની સમસ્યાની ભીતી વ્યક્ત કરાઈ હતી. આ વિસ્તારના રહીશો દ્વારા તંત્ર તેમજ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ કરાવી કાદવ કીચડ ગંદકી ન થાય તેવા પગલા ભરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

લખતર શહેરના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા ભૈરવપરા વિસ્તારમાં એટલી હદે વરસાદી પાણી ભરાયેલું છે કે અહીંથી વાહન લઇને નીકળવું પણ દુષ્કર બનવા પામ્યું છે. આ અંગે આ વિસ્તારના નવઘણભાઇએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ વિસ્તારમાં ચોમાસા પહેલા વરસાદી પાણીના ભરાવાના લીધે કોરોનાની કહેર વચ્ચે મચ્છરનો ઉપદ્રવ વધતા ઘેર-ઘેર તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા સાથે માંદગીના ખાટલા છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. આ વિસ્તારમાં પારાવાર ગંદકી અને વરસાદી પાણીના ભરાવાના લીધે ફાટી નીકળેલો રોગચાળો કોઇ નિર્દોષનો ભોગ લે એ પહેલા તંત્ર દ્વારા આ પ્રશ્ને તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ આ વિસ્તારના રહીશોએ ઉઠાવી છે.

(11:19 pm IST)