Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

૧૦ ટકા વેરા વધારા સામે કેશોદ કોંગ્રેસના પ્રતિક ઉપવાસ

ચાર ચોક ખાતે અચોક્કસ મુદ્દતના આંદોલનના મંડાણ : આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા રોષ

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. ૨૮ : કેશોદમાં હાલ ચારચોક ખાતે કોંગ્રેસ શહેર કાર્યકર્તાઓ તંત્ર સામે અનિશ્ચિત સમય સુધી ઉપવાસ પર ઉતર્યા છે કેશોદ નગરપાલિકા દ્વારા ૧૦% સફાઈ અને દીવાબત્તી વેરો વધારવામાં આવ્યો હતો.

આ વેરા વધારવા સામે શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામા આવ્યું છે. ઉપવાસ પર બેઠેલા કાર્યકર્તાઓની માંગ જયાં સુધી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી તે ઉપવાસ ચાલુ રાખશે કોંગ્રેસના સભ્યોની માંગ છે કે નગરપાલિકા દ્વારા વેરામાં જે ૧૦%નો વધારો કરવામા આવ્યો છે તેને પાછો ખેંચવામાં આવે કોંગ્રેસ સમિતિએ કેશોદ નગરપાલિકાને ૭ દીવસ પહેલાં પણ આ વાત પર આવેદન આપ્યું હતું.

કોગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આપેલ આવેદનમાં કહયું હતું કે જો સફાઈ અને દીવાબત્તીમાં વધારેલો વેરો પાછો ખેંચવામાં નહિ આવે તો તેઓ ઉપવાસ પર ઉતર્યા છે. જેમાં કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાચાણી, અશ્વિનભાઈ ખટારીયા, હમીરભાઇ ધુળા, ધર્મિષ્ઠાબેન કમાણી, આર. પી. સોલંકી, પરબતભાઇ પીઠીયા, હમીરભાઇ રામ, અવિનાશભાઈ પરમાર, સહિતનાં કાર્યકરો હાજર રહયા હતા. કેશોદ નગરપાલિકા દ્વારા ૧૦% વેરો વધારવામાં આવ્યો છે તે સંદર્ભે ૭ દીવસ પહેલાં ચીફ ઓફિસર અને મુખ્ય અધિકારીઓને નકલ આપી વેરો ઘટાડવા અંગે માંગણી કરી હતી.

 જો આ માંગણી પૂર્ણ કરવામા ન આવે તો કોગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામા આવશે તેવી પણ વાત કરવામા આવી હતી પરંતુ ૭ દીવસ બાદ પણ નગરપાલિકા દ્વારા કઇ પણ પગલા લેવામાં ન આવતા આજથી કોંગ્રેસ કાર્યકર્તાઓ અનિશ્ચિત સમય સુધી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે.

(11:04 am IST)