Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

પ્લોટના ચાર્જમાં બેફામ ભાવ વધારો ઝીંકાતા અલંગના શિપ બ્રેકીંગ ઉદ્યોગની કમર તૂટશે

રાજ્ય સરકારે પ્લોટ ચાર્જમાં અઢીથી ત્રણ ગણો વધારી કરી દીધો : શિપબ્રેકર કોઈ જહાજ પ્લોટમાં ભાંગે કે ન ભાંગે પણ વર્ષે 40 થી 55 લાખ રૂપિયા તો ભરવા જ પડે

ભાવનગરના અલંગમાં જહાજ ભાંગવાનો વ્યવસાય વિશ્વ વિખ્યાત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. ભાવનગર માટે અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગને કરોડરજ્જુ ગણવામાં આવે છે. ત્યારે અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગનો વધુ વિકાસ કરવા કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. બીજી તરફ કોરોના કાળમાં, આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની બદલે રાજ્ય સરકારે પ્લોટ ચાર્જમાં અઢીથી ત્રણ ગણો વધારી કરી દીધો છે.

અલંગના દરેક શિપબ્રેકર પોતાના પ્લોટમાં જહાજ ભાંગે કે ના ભાંગે આમ છતાં દરેક વર્ષે 40 થી 55 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવવા જ પડે તેવી નોબત આવી ઉભી થવા પામી છે. જેને લઈને આ શિપબ્રેકીંગ ઉદ્યોગ મૃતપાય અવસ્થા તરફ જઇ શકે છે.

કેન્દ્ર અને રાજ્યમાં એક જ રાજકીય પક્ષની સરકાર હોવા છતાં શિપબ્રેકિંગ ઉદ્યોગ પ્રત્યેના વલણમાં જમીન-આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય બજેટ 2021માં નાણામંત્રી અલંગમાં બ્રેકીંગની ક્ષમતા વર્ષ 2024 સુધીમાં બમણી કરવાની ઘોષણા કરી છે. તે પ્રમાણે કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ફિક્સ ચાર્જમાં રી મેનજરમેન્ટ પ્રમાણે ચાર્જ વધારવામાં આવેલ છે. જેને લઈને અગાઉની સરખામણીએ હવે અઢીથી ત્રણ ગણા વધારે ચાર્જ ચુકવવાનો રહેશે.

વર્ષ 2006માં શિપબ્રેકિંગ ઉદ્યોગ આર્થિક કટોકટીમાં હતો ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ પ્લોટ દિઠ ચાર્જ સ્કવેર મીટર દીઠ 270 હતો તેમાંથી 200 કરી આપ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગના વિકાસમાં રોડાં નાખી રહી છે. ભાવનગર જિલ્લાના નાગરિકો એવી પણ ચર્ચા થઈ રહી છે કે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપે છે તે અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગને ભાવનગરના જિલ્લાની કરોડરજ્જુ સમાન છે

અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગમાં પાણી અને ડિસ્ચાર્જ પણ પ્રતિ સ્ક્વેર મીટર પ્રમાણે વસૂલવામાં આવે છે તે અન્યાયી છે. આ ચાર્જીસ તો ફિક્સ હોવો જોઈએ તેને લંબાઈ-પહોળાઈ સાથે શું લેવાદેવા હોઇ શકે, હાલ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે શિપબ્રેકર કોઈ જહાજ પ્લોટમાં ભાંગે કે ન ભાંગે પણ વર્ષે 40 થી 55 લાખ રૂપિયા તો ભરવા જ પડે છે.

અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ હાલમાં કોરોના અને મંદી બન્નેનો સામનો કરી રહ્યો છે. 150 પ્લોટમાંથી 75 પ્લોટ માંડ કાર્યરત છે. ત્યારે આટલી ખરાબ પરિસ્થિતિમાં સરકારે પ્રોત્સાહન આપવી જોઈએ રાહત આપવી જોઈએ. આ ઉદ્યોગને લઈને સમગ્ર ભાવનગર જિલ્લામાં અનેક લોકોને રોજગારી મળી રહી છે ત્યારે અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ માટે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

(12:36 pm IST)