Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ખંભાળીયામાં અભય જામ દારૂના જથ્થા સાથે ઝડપાયોઃ દુલા ગઢવી જામનું નામ ખુલ્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૯ :. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અભય કમલેશ જામએ પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા બે હજારની કિંમતની પાંચ બોટલ વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છ હજારના મુદામાલ સાથે તેની અટકાયત કરી હતી.

દારૂનો આ જથ્થો અભય જામએ પાણીના ટાંકા પાસે રહેતા દુલા ગઢવી જામ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનંુ કબુલતા પોલીસે દુલા ગઢવી જામને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દ્વારકામાં બાઈક હંકારી જતા તસ્કરો

દ્વારકાની સિદ્ધવાટીકા સોસાયટી ખાતે રહેતા જયસુખભાઈ નારણભાઈ બાંભણિયા નામના ૬૨ વર્ષના નિવૃત વૃદ્ધે ટીવી સ્ટેશન ચોકડી નજીક રાખેલુ રૂપિયા પંચાવન હજારની કિંમતનું જીજે ૩૭ એચ ૮૧૬૨ નંબરનું પ્લેઝર સ્કૂટર ગત તા., ૨૫મીના રોજ સવારના દોઢ કલાકના સમયગાળા દરમિયાન તસ્કરો ચોરી કરીને લઈ જતા આ બનાવ અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઈલ ફોનમાં લૂડો ગેમ મારફતે જુગાર રમી રહેલા ચાર ઝબ્બે

ખંભાળિયાના શકિતનગર વિસ્તારમાં ગત મોડી સાંજે સ્થાનિક પોલીસે મોબાઈલ ફોનમાં લૂડો ગેમ ડાઉનલોડ કરી, પૈસાની હારજીત કરીને જુગાર રમી રહેલા દેવા નથુ જોડ, ભરત બાનાભાઈ વારસાખીયા, પબા કમા વારસાખીયા અને વશરામ જેઠા વારસાખીયા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. ૧૨,૭૩૦ની રોકડ રકમ તથા એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૭,૭૩૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

ભાણવડમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ભાણવડના નગર નાકા વિસ્તારમાં સ્થાનિક પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા મુકેશ દાના સાગઠીયા, આમદ બોદુ સેતા, રફીક ઈબ્રાહીમ સેતા, અહેમદ અજીજ બ્લોચ અને હુસેન જુમાભાઈ હિંગોરા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ કુલ રૂ. ૨૨,૧૭૦નો મુદામાલ કબ્જે કરી અને જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

રાવલ અને મીઠાપુરમાં પીધેલા બાઈક ચાલકો ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાજુ લખમણ બારીયા નામના ૨૨ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલને કેફી પીણુ પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લીધો હતો.

જ્યારે મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારના રહીશ પ્રતાપભા ટપુભા બઠીયા નામના ૩૪ વર્ષના યુવાનને રૂપિયા વીસ હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કેફી પીણુ પીને ચલાવતા ઝડપી લઈ, તેની સામે કલમ ૧૮૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

કોરોના જાહેરનામાના ભંગ બદલ બે સામે ગુનો

કોરોના અંગે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઈશ્વરચંદ ભૈરૂલાલ ભટ્ટ સામે ભાણવડ પોલીસમા અને પ્રતાપ પરસોતમભાઈ પરમાર સામે કલ્યાણપુર પોલીસમાં કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધાયો છે.

(1:53 pm IST)