Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કચ્છના મુન્દ્રા બારોઈ નગરપાલિકા સામાન્ય સભા બની તોફાની: ૮૦ કરોડના જમીન કૌભાંડ સહિત મિનિટ બુક્સમાં છેડછાડનો મુદ્દો ગરમાયો : પોલીસે મામલો થાળે પાડયો, કોંગ્રેસના આક્રમક તેવર, વહીવટદારના શાસનમાં ૮૦ કરોડના જમીન કૌભાંડનો ભાજપે પણ વિરોધ કર્યો'તો, વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી સાથે ભાજપે આપ્યું શહેરના વિકાસનું વચન

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ગત સામાન્ય સભા માં ૮૦ કરોડના જમીન કૌભાંડનો મુદ્દો છવાયો હતો. 

 વિપક્ષ કોંગ્રેસે વિવિધ મુદે રજૂઆત કરતાં સુધરાઈ પ્રમુખ અને વિપક્ષી સભ્યો આમને સામને આવી ગયા હતા અને પોલીસે વચ્ચે પડી પરિસ્થિતિ થાળે પાડી હતી. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિપક્ષે સુધરાઈ ના સત્તાધિશો ઉપર ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા હતા. સુધરાઈ ના સભા ખંડ માં પોલીસ પ્રોટેક્શન હેઠળ વંદે માતરમ ના ગાન સાથે સામાન્ય સભા નો પ્રારંભ થયો હતો. ચર્ચા શરૂ કરતાં વિપક્ષના નગરસેવકો ઇમરાન જત, જાવેદ પઠાણ, અને કાનજી સોંધરાએ મિનિટ્સ માં છેડછાડ થઈ હોવાનો આક્ષેપ કરતાં જ સભા તોફાની બની હતી. સામસામે બોલાચાલી કરતાં સભ્યોની ગરમાગરમ ચર્ચા દરમ્યાન પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. 

સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે જેરામસર તળાવ થી સાડાઉ રોડ પર આવેલ પાવાપુરી સુધી ના માર્ગ ને મહારાણા પ્રતાપ માર્ગ નામ આપવાનો તેમજ બારોઇ રોડ પર આવેલ સેન્ટ ઝેવીયર્સ રોડ ને છત્રપતિ શિવાજી માર્ગ નામ આપવાનો ઠરાવ કરાયો છે.

સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે સરકારની મંજૂરી થી સુધરાઈ ના ચીફ ઓફિસર અને પ્રમુખ માટેના ૧૦ લાખ ના વાહન ખરીદવાનો ઠરાવ કર્યો હતો. જોકે, વિપક્ષ ના ઇમરાન જતે હાલ ની કોરોના ની વિકટ પરિસ્થિતિ માં સુધરાઈ એ આવા ખર્ચ ન કરી આમ જનતા માટે ખર્ચ કરવા નું અને વાહનના નાણાનો વિકાસ માટે ઉપયોગ કરવા પત્રકારો ને જણાવ્યું હતું.  સામાન્ય સભા બાદ વિપક્ષ ના ઇમરાન જતે નગરપાલિકા ના ૮૦ કરોડના જમીન કૌભાંડ નું શું થયું? એવો પ્રશ્ન સુધરાઈ ના સતાધિશોને પૂછ્યો હતો. શાસક પક્ષ ભાજપ વિપક્ષની કોઈ પણ પ્રજાકીય રજૂઆતો ન સાંભળી લોકશાહી નું ખૂન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. સામાન્ય સભા માં નવનિયુક્ત કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીરે રોડ, લાઈટ, રસ્તા, ટાઉન હોલ, બગીચા, તેમજ અન્ય વિકાસલક્ષી કામો અંગે ખાતરી આપી હતી.

આજની વિવિધ સમિતિઓમાં સેનીટેશન સમિતિ ના ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાણી સમિતિ ના ભોજરાજ ભાઈ ગઢવી, ટ્રાન્સપોર્ટ સમિતિ ના ચેરમેન તરીકે અલ્પાબા ચુડાસમા, વેરા વસુલાત સમિતિ ના ચેરમેન તરીકે દિલીપ ભાઈ ગોર, સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન તરીકે તૃપ્તિબેન ઠક્કર તેમજ અન્ય સમિતિ ના ચેરમેનો ની વરણી થઈ હતી. સામાન્ય સભામાં સુધરાઈના ચીફ ઓફિસર સાગર રાળિયાં, સુધરાઈ ના ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(3:05 pm IST)