Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગોંડલના મેસપર ગામના પોલીસમેનની હત્યાના કેસમાં ચાર આરોપીને આજીવન કેદ

ગ્રામ-પંચાયતની ચૂંટણીના વેરઝેરના કારણે આરોપીઓએ મેસપર ગામના પોલીસમેન નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા અને તેમના પિતરાઇ ભાઇ અનિરૂધ્ધસિંહ જાડેજાની હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતોઃ ચારેય આરોપીઓ સામે 'વન એન્ડ હાફ', મર્ડરનો કેસ પુરવાર થાય છેઃ સ્પે. પી. પી. એસ. કે. વોરાની રજૂઆત સ્વીકારી ગોંડલની સેશન્સ કોર્ટે સજા ફટકારી

રાજકોટ તા. ર૯ :.. ગોંડલના સેશન્સ જજ શ્રી એચ. પી. મહેતો ગોંડલ તાલુકાના મેસપર ગામે ચૂંટણી સબંધી વેર-ઝેર સબબ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા અને તેના પિતરાઇ અનિરૂધ્ધસિંહ જાડેજાની હત્યાની કોશીષના ગુન્હાઓ સબબ-૪ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ગોંડલ તાલુકાના મેસપર ગામમાં વર્ષ-ર૦૧૭ માં થયેલ પંચાયતની ચૂંટણીઓમાં થયેલ હરીફાઇના કારણે મેસપર ગામના રહીશો રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા અને બાળ આરોપી અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનાઓએ ધોળા દિવસે બપોરના સમયે અનિરૂધ્ધસિંહ જાડેજાને મોટર સાયકલ ઉપરથી પછાડી તેના માથા ઉપર કુહાડીનો ઘા મારી હત્યાની કોશિષ કરેલ.

અનિરૂધ્ધસિંહે પોતાના બચાવ માટે પોતે મરણ ગયેલ હોવાનું નાટક કરેલ જેથી પાંચેય આરોપીઓએ આ વ્યકિત મરી ગયેલ હોવાનું સમજેલ. આ સમયે સામેથી આવી રહેલ નરેન્દ્રસિંહ જાડેજાને પણ આ પાંચેય આરોપીઓએ મોટર સાયકલ ઉપરથી પછાડી દઇ તલવાર, ધારીયુ અને કુહાડીથી મારવા માંડેલ. આ સમગ્ર બનાવ મૃત્યુનુ નાટક કરી રહેલ અનિરૂધ્ધસિંહ જાડેજાએ પોતે નજરે નજર જોયેલ. ત્યારબાદ પાંચેય આરોપીઓએ બેભાન થઇ ગયેલ નરેન્દ્રસિંહ જાડેજાને તેઓની વાડીએ લઇ ગયેલ અને ત્યાં નરેન્દ્રસિંહની હત્યા કરેલ. નરેન્દ્રસિંહનું અપહરણ થયાની સમગ્ર હકિકત અનિરૂધ્ધસિંહ જાડેજાએ જોયેલ. તા. ૧ર-પ-ર૦૧૮ ના રોજ બનેલ આ બનાવ બાદ આરોપી રાજેન્દ્રસિંહ જાડેજા તા. ૧૩-પ-ર૦૧૮ ના રોજ પોલીસ સમક્ષ રજૂ થયેલ અને બીજા-૪ આરોપીઓ તા. ૧૮-પ-ર૦૧૮ ના રોજ પોલીસ સમક્ષ રજૂ થયેલ. પોલીસે આ આરોપીઓના બનાવ સમયે પહેરેલ જે કપડા કબ્જે કરેલ તે તમામ કપડાઓમાંથી  રાજેન્દ્રસિંહ જાડેજાના કપડા ઉપર તથા તેમને ઉપયોગમાં લીધેલ કુહાડી ઉપર ગુજરનાર નરેન્દ્રસિંહ જાડેજાના લોહીના ડાઘ મળી આવેલ હતાં.

આ કેસના પુરાવાના અંતે આરોપીઓ તરફથી બચાવ લેવામાં આવેલ કે, પ આરોપીઓના નામ ફરીયાદમાં જણાવવામાં આવેલ છે પરંતુ ફકત એક આરોપીઓના કપડા અને હથિયાર ઉપર ગુજરનારનું લોહી મળી આવેલ છે. આ કારણે ફરીયાદી આપેલ ફરીયાદમાં-૪ આરોપીના નામ ખોટી રીતે આપવામાં આવેલ હોવાની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ.

શ્રી સરકાર તરફે નિમાયેલ સ્પે. પી. પી. એસ. કે. વોરાએ દલીલો કરતા જણાવેલ કે, આરોપી રાજેન્દ્રસિંહ જાડેજાના કપડા અને હથિયાર ઉપર ગુજરનારનું લોહી મળી આવેલ છે તેથી તેઓએ ગુજરનારની હત્યા કરેલ હોવાનું સ્પષ્ટપણે સાબિત થાય છે. અન્ય ૪ આરોપીઓ બનાવ બાદ ૬- દિવસે પોલીસ સમક્ષ રજૂ થયેલ હતા તેથી આ ૬ દિવસ દરમ્યાન તેઓએ પોતાના કપડા અને હથિયાર ઉપરનું લોહી સાફ કરી નાખેલ હોવાનું કાયદાકીય અનુમાન થવા પાત્ર છે.

આ ઉપરાંત અનિરૂધ્ધસિંહ જાડેજાએ મોટર સાયકલ ઉપરથી પછાડી તેને શરીર ઉપર અસંખ્ય ઇજાઓ કરવી તેમજ નરેન્દ્રસિંહ જાડેજાને ઇજાઓ કરી તેને અર્ધભાન અવસ્થામાં વાડી ઉપર લઇ જવા આ સમગ્ર કાર્યવાહી માટે બે થી વધુ વ્યકિત હોવી અનિવાર્ય છે. ફકત એક જ વ્યકિત આટલા લાંબા સમય સુધી બે બે વ્યકિતઓને ઇજાઓ કરી એકનું મૃત્યુ નિપજાવેલ તે અશકય છે.

આ કારણે ફરીયાદમાં જે પ-આરોપીઓના નામ આપવામાં આવેલ છે તે તમામ આરોપીઓએ ગુન્હો આચરવામં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ભજવેલ હોવાનું સ્પષ્ટપણે જણાઇ આવે છે. આ ઉપરાંત રજૂઆત કરવામાં આવેલ કે, જે હત્યાની કોશિષનો બનાવ આરોપીઓના ઘરની સામે જ બનવા પામે તે બનાવ અંગે આરોપીઓ કશુ જાણતા ન હોય તે માનવાપાત્ર વાત નથી. આ કારણે આરોપીઓ પોતાની નિર્દોષતા સાબીત કરવા ઉપરાંત આ બનાવમાં કયાં અન્ય વ્યકિતઓ હતા અને શા કારણે બનાવ બનેલ હતો તે અંગે કોઇ વિગતો જાહેર ન કરે ત્યારે આરોપીઓએ જ આ હત્યા અને હત્યાની કોશીષના ગુન્હાઓ આચરેલ હોવાનું સ્પષ્ટ થાય છે.

શ્રી સરકાર તરફેની આ તમામ રજૂઆતો ધ્યાનમાં લઇ અધિક સેશન્સ જજ શ્રી એચ. પી. મહેતાએ આરોપીઓ રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા નાઓને હત્યા અને હત્યાની કોશિષના ગુન્હાઓ સબબ આજીવન કેદની સજા ફરમાવેલ છે. અને દરેક આરોપીઓને રૂ. ૪પ-૪પ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કેસમાં સરકારની મદદગારી માટે વકિલ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતાં અને શ્રી સરકાર તરફે સ્પે. પી. પી. તરીકે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતાં.

(4:19 pm IST)