Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જો, હજીયે નર્મદાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો કચ્છમાં સરકાર સામે નારાજગી વધશે: પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ ચિંતા સાથે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત કરવા કર્યું સૂચન : જિલ્લા સંગઠન દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર મોકલાવી સરકાર સમક્ષ આ મુદ્દે સંગઠનને મદદરૂપ બનવા જણાવ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છને સિંચાઈ માટે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફિટ પાણી આપવામાં આવશે તેવા વચનો અને આશ્વાસન વર્ષોથી નેતાઓ અને સરકાર આપી રહ્યા છે, પરંતુ, આ પ્રશ્નનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમજ નર્મદા કેનાલના કામ હજીયે અધુરા હોઈ નજીકના ભવિષ્યમા તેનો ઉકેલ આવે તેવા કોઈ અણસાર પણ દેખાતાં નથી. ત્યારે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સમક્ષ કચ્છ જિલ્લા ભાજપ સંગઠન રજૂઆત કરે તેમ જ સરકારનું આ બાબતે ધારદાર રજૂઆત સાથે ધ્યાન દોરે તે માટે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ  ગઢવીએ પત્ર લખીને સૂચન કર્યું છે. કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલને પક્ષના આ વરિષ્ઠ નેતાએ પાણી બાબતે કચ્છની ઊંડી ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જો, નર્મદાના સિંચાઈ માટેના પાણીના આ પ્રશ્નની સતત અવગણના થતી રહેશે તો ભાજપ અને સરકારને કચ્છવાસીઓની નારાજગીનો ભોગ બનવાનો વારો આવશે.

ઓછો વરસાદ ધરાવતાં રણ પ્રદેશ કચ્છના પ્રાણ પ્રશ્ન એવા નર્મદાના વધારાના પાણી માટે વારંવાર રજૂઆતો કરાઈ ચૂકી છે. તેના પ્રત્યુત્તરમાં વર્તમાન અને ગત રાજ્ય સરકાર દ્વારા વખતો વખત આશ્વાસનો અપાયા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટીમાં આજ દિન સુધીમાં નર્મદાનો સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી. તેમજ નજીકના ભવિષ્યમાં તેનો ઉકેલ થાય એવું દેખાતું નથી. જેથી આ પ્રશ્નના ઉકેલ માટે છેવટના ઉપાય તરીકે કચ્છ ભાજપ સંગઠન અને આગેવાનોનું પ્રતિનિધિ મંડળ પ્રદેશ ભાજપના પ્રમુખની આગેવાનીમાં ગુજરાત સરકારને મળી રજૂઆત કરે તેવું સૂચન કરાયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ આ માટે ઝડપથી આયોજન ગોઠવે તે જરૂરી છે. આ પ્રશ્ન કચ્છ માટે ઘણો અગત્યનો છે. નર્મદાના વધારાના પાણી કચ્છને મળે તો કચ્છનો વિકાસ અત્યારે છે. તેનાથી પણ વધુ થઈ શકે તેમ છે, પરંતુ, આ પ્રશ્ન જો વધુ સમય સુધી વણઉકેલાયેલો રહેશે તો ભાજપ અને સરકારને કચ્છવાસીઓની નારાજગીનો ભોગ બનવાનો વારો આવી શકે છે. જેથી લોકોની નારાજગીનો ભોગ ન બનવું તે માટે ઝડપથી સરકાર આ પ્રશ્નનો ઉકેલ આવે તેવું સૂચન પૂર્વ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ શ્રી ગઢવીએ કર્યું છે. 

આથી અગાઉ કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી તારાચંદ છેડા પણ મુખ્યમંત્રી તેમ જ વડા પ્રધાનને કચ્છને નર્મદાના પાણી આપવામાં મુદ્દે પત્ર લખી રજૂઆત કરી ચૂક્યા છે.

(6:05 pm IST)