Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલાની ઘટના બાદ કચ્છમાં ડ્રોન ઉડાડવા ઉપર મુકાયો પ્રતિબંધ

સરહદી જિલ્લામાં સતર્કતા વધી : ફોટોગ્રાફરોને ડ્રોન ઉડાડવા મંજૂરી લેવી પડશે

જમ્મુ કશ્મીરમાં એરફોર્સ નજીક હુમલાની ઘટના બાદ ગુજરાતના સરહદી જીલ્લા કચ્છમાં પણ સતર્કતા વધારી દેવાઈ છે. જિલ્લામાં ડ્રોનની ઉડાન કાયદાના રડારમાં આવી છે. પોલીસે ફોટોગ્રાફરોને બોલાવી સૂચના આપી છે તો સાથે લગ્ન સહિતના પ્રસંગે ડ્રોન ઉડાવવા મંજૂરી લેવી ફરજિયાત બની છે.

પોલીસે ફોટો ગ્રાફરોને બોલાવીને આ સૂચના આપી હતી,તેમજ મહત્વના સૂચનો પણ આપ્યા હતા. સરહદી ક્ચ્છ જીલ્લો પાકિસ્તાનને અડકીને આવેલો હોવાથી ભૂતકાળમાં પણ આ જિલ્લામાંથી હથિયારોની હેરાફેરી,થઈ ચૂકી છે તેમજ અવારનવાર પાકિસ્તાનની ઘૂસણખોર પણ ઝડપાઇ ચુક્યા છે,ત્યારે આતંકીઓ કચ્છની મહત્વની ગણાતી ચોકીઓ પર હુમલો ન કરે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં શનિવારે મધરાત બાદ વિમાની મથકે એરફોર્સને ટાર્ગેટ બનાવીને રાત્રે ૧.૪૭ વાગે અને ૧-૫૨ વાગે એમ બે હૂમલા થયા. આ એટલે કે એરફોર્સ સ્ટેશનના ટેક્નીકલ વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા. બે જવાનોને સામાન્ય ઈજા થઈ. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે પોતે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે.

 તેઓએ કહ્યું કે જમ્મુ એરફીલ્ડ પરના આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે. જમ્મુ પોલીસે ૫-૬ કિલોગ્રામ આઈ.ડી. પણ જપ્ત કર્યા છે. આ આઈ.ઈ.ડી. લશ્કરે તોયબાના ઓપરેટિવે મેળવ્યા હતા. ટૂંકમાં બે બ્લાસ્ટ અને આટલા મોટા જથ્થામાં વિસ્ફોટકો મળી આવવા તે બાબત ઘણું બધું સૂચવી જાય છે. ભૂતકાળમાં પણ અનેક વાર ડ્રોન દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ ઝડપી પાડવામાં આવી છે.

(7:35 pm IST)