Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગવરીદળ પાસે રાત્રે છકડો અને ઇકો કાર અથડાતાં ભેંસાણના સાગરનાથ માંગરોલીયાનું મોતઃ ૪ને ઇજા

કચ્‍છમાં ભંગાર વેંચી ભેંસાણ જતી વખતે બનાવઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં બાવાજી પરિવારમાં કલ્‍પાંતઃ પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી

ઘટના સ્‍થળે અકસ્‍માત સર્જનાર ઇકો કાર, મૃતકની છકડો રિક્ષા,  માથુ છુંદાઇ ગયેલો મૃતદેહ અને મૃતકનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. તસ્‍વીરો ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

રાજકોટ તા. ૨૮: રાજકોટ-મોરબી હાઇવે પર ગવરીદળ પાસે રાત્રીના સવા બારેક વાગ્‍યે છકડો રિક્ષા સાથે ઇકો કાર અથડાતાં રિક્ષાચાલક ભેંસાણના બાવાજી યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેના પત્‍નિ, સંતાનો મળી ચારને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. કચ્‍છમાં ભંગાર વેંચી પરત આવતી વખતે ઘરના મોભીને કાળ ભેટી જતાં બાવાજી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવેલી વિગતો મુજબ જુનાગઢના ભેંસાણ ખાતે રહેતાં અને ભંગારનો ધંધો કરતાં સાગરનાથ શાંતુનાથ માંગરોલીયા (બાવાજી) (ઉ.વ.૩૭) પોતાની છકડો રિક્ષા નં. જીજે૧૧ડબલ્‍યુ-૭૦૯૦માં ભંગાર ભરી કચ્‍છ વેંચવા ગયો હતો. તેની સાથે તેના પત્‍નિ ટીન્‍કુબેન સાગરનાથ (ઉ.૩૨), પુત્ર મિલન (ઉ.૮), રાજ (ઉ.૧૧) અને પુત્રી ગોપી (ઉ.૧૩) પણ ગયા હતાં. ભંગાર વેંચી ગત સાંજે પરત ભેંસાણ જવા કચ્‍છથી રવાના થયા હતાં. એ દરમિયાન રાતે બારેક વાગ્‍યે ગવરીદળ પાસે પહોંચ્‍યા ત્‍યારે છકડો સાથે ઇકો કાર જીજે૩એફકે-૫૩૩૨ ધડાકાભેર અથડાતાં છકડો પલ્‍ટી મારી જતાં ચાલક સાગરનાથ દબાઇ જતાં માથુ છુંદાઇ જતાં ઘટના સ્‍થળે જ દમ તોડી દીધો હતો.

અકસ્‍માત સર્જી કાર મુકીને ચાલક ભાગી ગયો હતો. સાગરનાથના પત્‍નિ અને પુત્ર, પુત્રીઓને ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટ અને હેડકોન્‍સ. પી.આર. મકવાણા, રોહિતદાન ગઢવી સહિતની ટીમે તુરત જ ઘટના સ્‍થળે પહોંચી વાહનો સાઇડમાં લેવડાવી રસ્‍તો ખુલ્લો કરાવ્‍યો હતો અને ઘાયલોને દવાખાને ખસેડવા તજવીજ આદરી અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર સાગરનાથ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:21 am IST)