Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જામનગર જિલ્લામાં ‘અંગદાન' કરાવનારા પરિવારોનું એચ.જે.લાલ ટ્રસ્‍ટ અને કેદાર લાલ ફાઉન્‍ડેશન દ્વારા કરાશે સન્‍માન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : જામનગર શહેર અને જિલ્લામાં અત્‍યાર સુધીમાં અંગદાનના ચાર કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા છે, અને બ્રેન્‍ડેડ થયેલી ચાર વ્‍યક્‍તિઓના જુદા જુદા અવયવોનું અંગદાન કરવામાં આવ્‍યું હતું, અને તેના આધારે જરૂરિયાતમંદ અનેક લોકોને જીવનદાન મળ્‍યું છે. જેથી જામનગર શહેરમાં વસવાટ કરતા આવા પરિવારનું એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તેમજ કેદાર લાલ ફાઉન્‍ડેશન દ્વારા સન્‍માન કરવામાં આવશે.

જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંગદાનની પ્રવૃત્તિથી વધુને વધુ લોકો વાકેફ બને, અને તે બાબતે લોકોમાં જાગૃતિ આવે, તેના ભાગરૂપે મેનેજીંગ ટ્રસ્‍ટી અશોકભાઈ લાલ તથા ટ્રસ્‍ટી જીતુભાઈ લાલ દ્વારા ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે. તેના ભાગરૂપે અંગદાન કરાવનારા દાતા પરિવાર નું સન્‍માન કરવાનો તેમજ અંગદાનની પ્રવૃત્તિમાં વધુને વધુ લોકો જોડાય તે માટે ના અંગદાન માટે કાર્ડ બનાવીને તેમાં પણ લોકોને જોડવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

જામનગરમાં પ્રથમ વખત બનેલી આકસ્‍મિક ઘટના પછીના અંગદાનના કિસ્‍સામાં લાલ પરિવાર હાજર રહીને સાક્ષી બન્‍યો હતો.

જામનગર શહેરમાં રહેતા અને થોડો સમય માટે સુરત સ્‍થાઇ થયેલા નગરના જ એક યુવાન નીરજ વિનોદભાઈ ફલીયાને અકસ્‍માત નડ્‍યા બાદ તા ૩,૧,૨૦૧૯ના દિવસે બ્રેન્‍ડેડ થયા પછી અવસાન થયું હતું, અને તેના જુદા જુદા છ અવયવોનું અંગદાન કરાયું હતું. જેના કારણે ૬ વ્‍યક્‍તિને નવજીવન મળ્‍યું છે.

આ સમગ્ર ઘટનાના એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જીતુભાઈ લાલ સાક્ષી બન્‍યા હતા, અને નીરજના પિતા વિનોદભાઈ ફલિયા તેમજ અન્‍ય પરિવારજનોને આ ઉમદા ફરજ બજાવવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્‍યા હતા. ઉપરાંત જામનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં નીરજને શ્રદ્ધાંજલિ સાથે સાથે સમગ્ર પરિવારને સન્‍માનિત પણ ડર્યા હતા. આટલું જ માત્ર નહીં ઘરનો આધાર સમાન નીરજ કે જેનું મૃત્‍યુ થયા પછી મૃતકના પિતા વિનોદભાઈ ફલિયા અને તેનો પરિવાર સુરત છોડીને પરત જામનગર આવી પહોંચ્‍યો હતો, ત્‍યારે વિનોદભાઈ ફલિયાને સૌ પ્રથમ લાલ પરિવારના એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટની સેવાકીય પ્રવૃત્તિમાં પણ સાથે રાખીને તેઓને જુદા જુદા સેવા કાર્યોમાં જોડવામાં આવ્‍યા હતા, અને તેમના પરિવાર ને આર્થિક ઉપાજન પૂરૂં પાડ્‍યું હતું. હાલમાં વિનોદભાઈ બ્રાસપોટના કારખાનામા પોતે કામ કરી રહ્યા છે.

(4:36 pm IST)