Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સવા વર્ષથી ઈરાનની જેલમાં કેદ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧ ખલાસીઓને મુક્ત કરાવવા માંગ

માંડવી, વેરાવળ, મહુવા, ભાવનગરના ખલાસીઓને છોડાવવા કચ્છ વહાણવટા એસો.ની વિદેશ મંત્રાલય સમક્ષ રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::ઇલેક્ટ્રોનિક સામાન ભરીને દુબઈથી કરાંચી જઈ રહેલા અલ ઈરફાન વહાણને ઈરાન નેવીએ દાણચોરી અને જળ સીમાના ભંગ નો આરોપ મૂકી ઝડપ્યું હતું. આ સાથે જ વહાણમાં ૧૧ ખલાસીઓને પણ ઝડપી ૫૭ લાખનો દંડ કરી ૧૪ મહીના થયા જેલમાં પૂરી દીધા છે. આ તમામ ખલાસીઓ નિર્દોષ છે અને તેમને મુક્ત કરાવવા અંગે કચ્છી વહાણવટી એસો.એ મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમ જ ભારતીય વિદેશ મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. માંડવી સલાયાના આદમ અલ શીરુ ની માલિકીના એમએનવી ૧૪૪૧ નંબર ના આ વહાણમાં વેરાવળના સિરાજ હુસેન, મહુવાના જશુ નાનજી ભાલીયા, ભાવનગરના ભરત કોલી, મહુવાના વિનોદ મગા બાંભણીયા ઉપરાંત કચ્છના માંડવી સલાયાના સલીમ મુસા શીરુ, રિઝવાન મુસા શીરુ, હસન અબ્દુલા, મામદ સુલેમાન લુહાર, અરબાઝ ઇશાક શીરુ, સુમરા અલીમામદ શીરુ સહિત ૧૧ ખલાસીઓ ઈરાનની  જેલમાં બંધ છે. ગત ૧૫ મે ૨૦૨૦ ના ચાંચિયાઓએ આ વહાણ રોક્યું ત્યારે ઈરાન નેવી એ તમામને ઝડપ્યા હતા. દરમ્યાન ઈરાનના તહેરાનની કોર્ટમાં ચાંચિયાઓ છૂટી ગયા હતા અને ભારતીય ખલાસીઓ ઉપર દાણચોરી નો આરોપ મૂકી ૫૭ લાખનો દંડ અને જેલની સજા ફટકારાઈ હતી. કચ્છી વહાણવટી એસો. ના પ્રમુખ હાજી આદમ થૈમે તમામ ખલાસીઓ નિર્દોષ હોવાનું જણાવી તમામને ઈરાનની જેલમાંથી છોડાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. આ મુદ્દે ઈરાન સ્થિત ભારતીય વિદેશ મંત્રાલયે પણ ઈરાન સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું છે.

(10:27 am IST)