Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વિછીયાના પીપરડીના યુવાન મોહનની આંખમાં મરચું છાંટી સાસરિયા પક્ષે કારમાં ઉઠાવી જઇ લમધાર્યો

અગાઉ છુટાછેડા બાદ ફરી પત્નિ સાથે રહેવા માંડ્યો હોઇ તેનું મનદુઃખ કારણભુતઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૯: વિછીયાના પીપરડી (આલા ખાચરની) ગામે રહેતાં મોહન કાળુભાઇ પરમાર નામના યુવાનને બપોરે તે ગામની સીમમાં હતો ત્યારે સંતોષ, વિજય, અમૃત, મહેન્દ્ર, સુરેશ, અજય સહિતે આંખમાં મરચાની ભુકી છાંટી ઇકો કારમાં નાંખી આગળ લઇ જઇ લાકડી-તલવારથી ઇજા કરી, માર મારી ફેંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વિછીયાના પીએસઆઇ આર. કે. ચાવડા, રાજાભાઇ સહિતનાએ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અગાઉ મોહનને તેની પત્નિ સાથે છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી પત્નિ વર્ષા ફરી સાથે રહેવા આવી જતાં મોહનને સસરા સુખાભાઇ સાથે મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી સાસરિયા પક્ષના લોકોએ હુમલો કર્યાનું બહાર આવ્યું હોઇ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(12:55 pm IST)