Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વંથલીનાં લુશાળા ગામે ૧ર હજાર લીટર બાયોડીઝલ પકડાયું: ર૩ લાખનો મુદામાલ જપ્ત

ગોંડલની પેઢીએ મોકલેલ બાયોડીઝલની ઘરેથી હેરાફેરી થતી'તી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૯: વંથલીના લુશાળા ગામેથી પોલીસે ૧ર હજાર લીટર બાયોડીઝલ પકડી પાડી રૂ. ર૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ગોંડલની પેઢી અને અન્ય ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના લુશાળા ગામે બાયોડીઝલની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા પીએસઆઇ એસ. એન. ક્ષત્રિય તેમજ હેડ કોન્સ્ટેબલ પુનાભાઇ વગેરેએ દરોડો પાડીને બટુક કરશન ડાંગરનાં ઘરેથી ૧ર હજાર બાયો ડીઝલ પકડી પાડયું હતું.

ગોંડલની બુટભવાની એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ભાણાભાઇ ઉર્ફે હસમુખ ભુદરભાઇ વ્યાસે લુશાળાનાં બટુક ડાંગરને તેના ઘરે ટેન્કર મારફત વેંચાણ અર્થે ૧ર હજાર લીટર બાયો ડીઝલ મોકલ્યું હતું.

બાદમાં બટુકભાઇ એ હિતેષ બટુક ડાંગર, સુભાષ બટુક ડાંગર અને રમેશ ગોરધન સરવૈયાનાં ટેન્કરમાં બાયો ડીઝલ ભરાવી તેની હેરાફેરી કરવામાં આવતી હતી.

પોલીસે રૂ. ૭.૮૦ લાખનું બાયો ડીઝલ તથા વાહનો તેમજ ઇલેકટ્રીક મોટર સહિત કુલ રૂ. ર૩.૦૩ લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી તમામની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની ૧૯૯પની કલમ ૩ તથા સાત મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:58 pm IST)