Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિથી પાકને મોટુ નુકશાન : વળતર ચૂકવવા કોંગ્રેસની રજૂઆત

પોરબંદર, તા. ર૯ : જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર હસ્તક મુખ્યમંત્રીને મોકલેલા આવેદનપત્રમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક અને જમીનમાં થયલ નુકશાનીનું વળતર ચૂકવવા માગણી કરી છે.

રજુઆતમાં જણાવેલ કે ચાલુ વર્ષે સીઝનમાં અતિભારે વરસાદ પડવાના કારણે પોરબંદર જીલ્લામાં ખૂબ જ તારાજી થયેલ છે. ઉપરવાસમાં આવેલ ભાદર-૧, ભાદર-ર, ઓઝત, મોજ અને વેણુ ડેમ ઓવરફલો થતાં ભાદર, ઓઝત, મીણસાર વગેરે નદીઓમાં ઘોડાપુર આવતા પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના તમામ ગામ રાણાવાવ તાલુકાના તમામ ગામ અને પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના રર જેટલા ગામોમાં ઘણા દિવસોથી ખેતરોમાં પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરાયેલ મગફળી, કપાસ અને જુવાર સહિતનો તમામ પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોના ખેતરોમાં પણ ભયંકર ધોવાણ થયેલ છે.

આ ઉપરાંત પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં પણ વર્તુ અને સોરઠી ડેમના પુરના પાણી અને અતિભારે વરસાદના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ જવી સ્થિતિ છે અને ખેડૂતોનો ખેતરો પણ મોટા પ્રમાણમાં ધોવાઇ ગયા છે.

આ ઉપરાંત ખૂબ જ મોટુ પૂર આવતા લોકોના ઘરોમાં અને ગામોમાં પાણી ઘુસી જતા પશુને ખવડાવવાનો ઘાસચારો પણ પલળીને બગડી ગયો છે. આથી હાલ મુંગા અને અબોલ પશુઓને ખવડાવવા માટે માલધારીઓ પાસે કાંઇ ના હોય તો પશુઓ ભૂખ્યા મરી જાય તેમ હોય આથી તાત્કાલીક સુકો ઘાસચારો આપવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે કરી છે.

(11:15 am IST)