Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સોમનાથ મંદિર નજીક હાઇવે પરની હાઇ-માસ્ક લાઇટો બંધ રહેતા સતત અકસ્માતોનો ભય!!

નેશનલ હાઇવે એથોરીટીના અધિકારીઓ આળસ ખંખેરી અકસ્માતો, મૃત્યુ અટકાવે

પ્રભાસ પાટણ,તા.૨૯ : સોમનાથ મંદિર જવાના મુખ્ય રસ્તા ઉપરના સોમનાથ ખાતે ગુરૂકુળની સામે એક મોટો હાઇ-માસ્ક લાઇટ ટાવર આવેલ છે. જે ઘણા સમયથી બંધ હાલતમાં છે અને ચાલુ થાય તો ફરીથી તાત્કાલીક બંધ થાય છે.

નેશનલ હાઇવે ઓથોરીટી સંચાલીત આ લાઇટ ટાવર બંધ રહેવાને કારણે સોમનાથ આવતા-જતા યાત્રીકો હેરાન થાય છે. તેમજ સર્કલ હોવાને કારણે વાહનો ત્રણે દિશામાંથી આવે છે જેથી અંધારામાં અકસ્માત થવાનો પૂરે પૂરો સંભવ રહે છે. અને વારંવાર અકસ્માતો થયેલ છે અને અકસ્માતો થત બચી જાય છે.

આ લાઇટ ટાવર હોવાની હાઇવે રોડ ઉપર આવતા પગપાળા યાત્રીકો તેમજ વાહન ચાલકો અંધારાને કારણે સોમનાથ જવાને બદલે વેરાવળ કે કોડીનાર નીકળી જાય છે. અને જ્યારે ખબર પડે ત્યારે ફરી વાહન પાછુ વાળીને સોમનાથ જાય છે.

મસમોટા ટોલટેક્ષ અને તે પણ અનેક ટોલનાકામાં પૈસા ઉઘરાવતું નેશનલ હાઇવેનું તંત્ર બેદરકાર રહે છે. અને નથી સરકાર ધ્યાન આપતી કે ધારાસભ્યો-સાંસદ સભ્યો કે નગરપાલિકાના પદાધિકારોઓ પ્રજા બિચારી આવી સમસ્યાનો સામનો કરે છે.

સોમનાથ તીર્થધામમાં આવી બેદરકારી બાબતે સરકાર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી સામે પગલા લેવા જોઇએ અને કડક કાર્યવાહી કરવી જોઇએ તેવું લોકોનું માનવુ છે.

(11:22 am IST)