Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

પાટડી તાલુકાના જરવલા પાસે નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

ભારે વરસાદથી નુકસાન થયું છે ત્યારે કેનાલના ગાબડાએ ખેડૂતોના પેટ પર પાટું માર્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : પાટડી તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજે ૨૫ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે ત્યારે ચાર દિવસ પહેલા પણ ૭ ઈંચ જેટલાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં તેમજ ખેતરો પણ જળબંબાકાર બની ગયાં હતાં. તેના કારણે ખેડુતોએ વાવેલા પાકો બળી જતાં મોટાપાયે નુકશાની પહોંચી છે ત્યારે આવી સ્થિતિમાં પાટડી તાલુકાના નાના ગોરૈયા, જરવલા પાટડીમાં નર્મદાની કેનાલો ટુટવાના બનાવો બનતાં ખેડુતોની હાલત કફોડી બની છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડુતોને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે ત્યારે બીજી બાજુ પાટડી તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય સહિત માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડુતોની હાલત કફોડી બની છે. જેમાં તાજેતરમાં પાટડીના જરવલા ગામ પાસેથી પસાર થતી ખારાઘોડા માઈનોર કેનાલમાં ગાબડું પડતાં છેલ્લા ચાર દિવસથી પાણી ખેતરોમાં થઈ પાંચ કિલોમીટર જેટલાં વિસ્તારમાં ફરી વળ્યું છે. જેના કારણે જરવલા સહિતના આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડુતોને મોટાપાયે નુકશાની પહોંચી છે.

આ અંગે ખેડુતોના જણાવ્યા મુજબ આ કેનાલનું કામ એકદમ નબળું અને બોગસ થયું હોય દર વર્ષે પાણી આવે એટલે તરત જ ગાબડા પડી જાય છે. જયારે આ મામલે કેનાલની ઓફીસર પણ વિરમગામ અને મહેસાણા આવેલ હોય ખેડુતોને રજુઆત કરવા દુર લાંબા થવું પડે છે. નર્મદા વિભાગ દ્વારા ગાબડામાં માત્ર માટી નાંખી કેનાલનું રીપેરીંગ થઈ ગયું હોવાનું સરકારી ચોપડે જણાવી દે છે. પરંતુ દર વર્ષે કેનાલમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત રહે છે.

પાટડી તાલુકામાં બનાવામાં આવેલી તમામ નર્મદા કેનાલ હલકી ગુણવત્તાઙ્ગ બનાવેલી હોય વારંવાર કેનાલો ટુટવાના બનાવો બને છે આ અંગે આ ઘણા સમય પહેલા પણ પાટડી દસાડા ના ધારાસભ્ય આ અંગે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી હતી આમ છતાં પણ નર્મદા કેનાલનો કોઈ જ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી અને સરકારના લાખો રૂપિયાના રિપેરિંગ પાછળ ખર્ચ થતા હોવા છતાં ખેડૂતો કેનાલઙ્ગ તૂટવાના કારણે પાયમાલ થઈ રહ્યા છે.

હાલમાં કેનાલ તૂટવાના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતરમાં વાવેલા પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોમાં ભારે રોષ છવાઇ જવા પામ્યો છે.

(1:02 pm IST)