Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વિરપુરની હોટલમાં કૂટણખાનુ ઝડપાયુ : નેપાળી રૂપલલના, મેનેજર અને દલાલની ધરપકડ

બાતમીથી ખૂદ ASP સાગર બાગમાર દ્વારા હોટલ સાગરમાં દરોડો પાડી સેકસ રેકેટ ઝડપી લીધું : દારૂની બોટલો પણ મળી આવી : ભારે ચકચાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૨૯ : સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુરમાં નરાધમો બહારથી રૂપલલનાઓ બોલાવી હોટલમાં કુટણખાનુ ચલાવતા હોય તેમજ દારૂની વ્યવસ્થા પણ કરી આપતા હોય પોલીસે રેડ કરતા એક નેપાળી રૂપલલના તેમજ હોટલનો મેનેજર અને દલાલ મળી આવેલ. પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

તાલુકાના વિરપુર ગામે હોટલ સાગરમાં કુટણખાનુ ચાલતુ હોવાની બાતમી એએસપી સાગર બાગમારને મળતા ગત રાત્રીના વિરપુર પોલીસ પી.એસ.આઇ. સી.એસ.વાઘાણીને સાથે રાખી સ્ટાફના મનોજભાઇ ડાભી, જગતભાઇ તેરૈયા, મયુરભાઇ વીરડા, અશોકભાઇ, મનેશભાઇ દ્વારા વિરપુરમાં બાતમીવાળી સાગર હોટલમાં રેઇડ કરતા હોટલના રૂમમાં એક નેપાળી રૂપલલના અને ડમી ગ્રાહક મળી આવતા પોલીસે રૂપલલનાને પૂછપરછ કરતા તે રહે. અમદાવાદ, મૂળ નેપાળ કાઠમંડુની હોવાનું અને હોટલનો મેનેજર પ્રતિક શાંતિભાઇ પટેલ રહે. હાલ વિરપુર મૂળ ડભોઇ, વડોદરા અને દલાલ અજય માધવભાઇ ભટ્ટી (રહે. રામજી મંદિર રોડ, ફુલવાડી, જેતપુર) વાળો લાવેલ હોય અને તે ગ્રાહક પાસેથી રૂ. ૧૦૦૦ લઇ ૫૦૦ કમીશન પેટે રાખી મહિલાને રૂ. ૫૦૦ આપતો હોવાનું જણાવતા પોલીસે હોટલ મેનેજર પ્રતિક પટેલ અને દલાલ અજય ભટ્ટીને પકડી પાડેલ અને હોટલમાં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની બોટલો ૭ તેમજ બીયરનું ટીન ૧ મળી આવતા પોલીસે દારૂ રૂ. ૫૦૧૦ તેમજ મોબાઇલ - ૨ રૂ. ૨૫૦૦ મળી કુલ રૂ. ૭૫૧૦ સાથે ધરપકડ કરી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૩, ૪, ૫, ૬, મુજબ તેમજ ૬૫, ૬૫(એ), ૧૧૬બી મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બહારની યુવતીઓને દેહ વ્યાપાર માટે ગેસ્ટહાઉસમાં લઇ અવાતી હતી અને જેતપુર, ગોંડલ, રાજકોટના નબીરાઓ ગેસ્ટહાઉસમાં આવતા હતા. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી ગઇ અને એએસપીએ રેડ કરી. ડમી ગ્રાહક મોકલી રેકેટ ઝડપી પાડ્યું છે. ગોંડલ રોડ ઉપરની હોટેલ સાગરમાં લાંબા સમયથી સેકસ રેકટ ચાલતું હતું. રેડ દરમિયાન હોટેલમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર પણ મળી આવ્યા છે.

(1:10 pm IST)