Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કચ્છના અબડાસામાં આભ ફાટ્યું ૮ ઈંચ વરસાદ, મુન્દ્રા ૪, નખત્રાણા ૩, ભુજ, લખપત ૧, માંડવીમાં શહેરમાં ૪ ઈંચ, તાલુકામાં ૨ ઈંચ

ભારે વરસાદથી ઠેક ઠેકાણે ભરાયા પાણી, અબડાસાના ભીમપર ગામે નદી પાર કરવા જતા ૧૦ ભેંસો તણાઈ, તમામનો બચાવ, ખેતરોમાં પાણી ભરાયા

(ભુજ) ભારે વરસાદની આગાહી વચ્ચે આ વખતે મેઘરાજાએ વરસાદમાં પાછળ રહી ગયેલા અબડાસા તાલુકામાં તોફાની બેટિંગ કરી હતી. આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં સારો વરસાદ પડી ગયો છે. બપોરે ૧૨ થી ૪ માં માત્ર ૪ કલાકમાં ૮ ઈંચ વરસાદ સાથે આખાયે અબડાસા તાલુકો પાણી પાણી થઈ ગયો છે.

અહીંના ભીમપર ગામે નદી પાર કરવા જતાં ૧૦ ભેંસો તણાઈ ગઈ હતી, જોકે, તમામ બચી ગઈ છે. મુન્દ્રામાં ૪ ઈંચ અને માંડવી શહેરમાં ૪ જ્યારે તાલુકામાં ૨ ઈંચ સાથે ફરી એકવાર વરસાદે આ બન્ને તાલુકાઓને જળબંબોળ કરી મુક્યા છે. જોકે, વરસાદ રોકાઈ જતા અહીં પુરનો ઉભો થયેલો ભય ટળી ગયો છે.

નખત્રાણામાં ત્રણ ઈંચ, જ્યારે લખપત અને ભુજમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ભુજના હમીરસર તળાવમાં પાણીની આવ શરૂ થતાં ઓગનવાની આશા બળવત્તર બની છે. એકંદરે આ વખતે કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જોકે, ખેતરોમાં પણ પાણી ભરાતા પાક બળી ગયો છે.

(5:12 pm IST)