Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ચારસો મણથી વધારેનો ઘઊંનો જથ્થો ઝડપી પાડ્યો

સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ : અનાજ માફિયા અને તંત્રની મીલીભગતથી બિસ્કીટની ફેકટરીમાં મફત અનાજ મોંઘા ભાવે વેચી નાખવાનું કૌભાંડ

સુરેન્દ્રનગર,તા.૨૯ : સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ કૌભાંડ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અનેક વાહનોમાં અનેક મણ સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં પહોંચે તે પહેલાં એસઓજી પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આશરે ૧૪ જેટલા વાહનોમાં અનાજ બરોબાર જઈ રહ્યાની બાતમી મળતા પોલીસે રસ્તામાં જ વાહનોને પકડી પાડ્યા હતા અને સાથે અનાજ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. આ અનાજ લૉકડાઉનમાં સરકાર દ્વારા ગરીબોને અપાતુ અનાજ છે જે સગેવગે થઇ રહ્યું હતું. ગરીબોના મુખે કોળિયો પહોંચે તે પહેલાં અનાજ માફિયા અને તંત્રની મીલીભગતથી બિસ્કીટની ફેકટરીમાં મફતનું અનાજ મોંઘા ભાવે વેચાય જવાનું કૌભાંડ બહાર આવ્યું છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કેટલાંક ઓટો રીક્ષા તથા છકડો રીક્ષાવાળા ઈસમો ગામડામાંથી ઘરે ઘરે ફરી સરકાર તરફથી આપવામા આવેલ રેશન કાર્ડના મફતના ઘઉં સસ્તા ભાવે ખરીદી કરી નવલગઢ ખાતે આવેલી ફેકટરીમાં વેચાણ કરવા જતા હતા.

                   આ આધારે સીતાપુર બસ સ્ટેન્ડ પાસે ધાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે રોડ પર નાકાબંધી કરતા બાતમીમાં જણાવેલ વાહનો મળી આવ્યા હતા. વાહનમાંથી ઘઉનો જથ્થો બિલ કે આધાર પુરાવા વગરનો કુલ ૧૧ વાહનોમાં ભરવામાં આવેલ ઘંઉનુ કુલ વજન ૪૩૯ મણ જે એક મણના કીમત રૂપિયા ૨૫૦ લેખે ૪૩૯ મણના કુલ કીમત રૂપીયા ૧,૦૯,૭૫૦/- ના રેશન કાર્ડ ધારકો ને સરકાર દ્વારા આપવામાં આવેલ સસ્તા ઘંઉનું વેચાણ લઈ વધુ પૈસાથી કારખાનામાં વેચાણ કરવા જતા હોય. ઉપરોક્ત તમામ ઘઉંનો જથ્થો સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્બે કરેલ છે. ધાગંધ્રા તાલુકા પોસ્ટમાં નોંધ કરાવી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીઓની મિલી ભગતથી માફીયાઓ ગરીબોના રાશનને બારોબાર વેચી નાખે છે. તાજેતરમાં જ લખતના અણીયારી ગામથી વિરમગામ બરોબર જતો અનાજનો જથ્થો ઝડપાયો હતો. માફીયાઓ અને તંત્રની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે સરકારી અનાજ ભરેલા જે કોથળા હોય તે બદલી નાખે જેથી અનાજ ઓળખાય નહીં.

(7:38 pm IST)