Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જૂનાગઢ મહાનગરને મળશે ભૂગર્ભ ગટર યોજના : મુખ્યમંત્રી વિજયભાઈએ ૩ર૦ કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી

જૂનાગઢ મહાનગરના નાગરિકોની લાંબા સમયની જરૂરિયાત કરતા મુખ્યમંત્રી : નવાબી કાળની કમાનવાળી ગટર વ્યવસ્થાથી હવે જૂનાગઢ થશે મૂકત : કુદરતી વ્હેળામાં હાલ વહી જતા ગટરના ગંદા પાણીથી ફેલાતું પ્રદૂષણ અટકશે : આગામી ૩૦ વર્ષની વસ્તી સંખ્યાને ધ્યાને રાખી કરાશે ભૂગર્ભ ગટર વ્યવસ્થા યોજનાનું આયોજન : હવે જૂનાગઢમાં પણ રાજ્યના અન્ય મહાનગરોની જેમ ભૂગર્ભ ગટર યોજના સાકાર થાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ૩૧૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાપાલિકાને આ ૩૧૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની જનતા જનાર્દનની ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ યોજના મંજૂર કરીને આપ્યો છે.
જૂનાગઢ શહેરમાં અત્યાર સુધી નવાબી શાસન વખતની કમાનવાળી ગટર વ્યવસ્થા હતી. જૂનાગઢ મહાનગરમાં નવા ભળેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાને અભાવે ઘરો-આવાસોમાં વપરાયેલું ગંદુ પાણી કોઇ જ ટ્રિટમેન્ટ વગર ડાળવા, ઝાંઝરડા, ટીંબાવાડી જેવા કુદરતી વ્હેળાઓમાં ઠલવાતું તેના પરિણામે જમીનનું પ્રદૂષણ ફેલાઇ રહ્યું હતું.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની આ સમસ્યાના સુચારૂ હલ રૂપે ખાસ કિસ્સામાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત ૩૧૯ કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે ફાળવ્યા છે.
હવે, જૂનાગઢ મહાનગરમાં ૮ ઝોનમાં ૩ એસ.ટી.પી અને ૮ પમ્પીંગ સ્ટેશન સહિતની ૧૧૦.૪૭ કિ.મી.ની લંબાઇની મુખ્ય પાઇપ લાઇન આ યોજના અન્વયે નાખવામાં આવશે. જૂનાગઢ મહાનગરની આગામી ૩૦ વર્ષની વસ્તીની સંખ્યા ધ્યાને લઇને આ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તૈયાર થવાની છે.
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી જૂનાગઢની આ ભૂગર્ભ ગટર યોજના તથા STP ના કામો પૂર્ણ થવાથી સાડા ત્રણ લાખથી વધુ લોકોની આરોગ્ય સુખાકારી જળવાશે. એટલું જ નહિ, કુદરતી વ્હેળામાં હાલ વહેતા ગંદા પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. રાજ્યમાં અન્ય ૮ મહાનગરોની જેમ જ જૂનાગઢમાં પણ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તથા STP સુવિધાનો શહેરીજનોને લાભ મળશે અને શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ થશે.

(7:39 pm IST)