Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સુરેન્દ્રનગર -પાટડીમાં વાનગીસ્પર્ધા શાકભાજી સલાડ નિદર્શન કાર્યક્રમો યોજાયો

સુરેન્દ્રનગર,તા.૨૯: સંકલિત બાલ વિકાસ યોજના સુરેન્દ્રનગરના પ્રોગ્રામ ઓફિસરની યાદીમાં જણાવ્યા પ્રમાણે પોષણ અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં કિશોરીઓ અને માતાઓ દ્વારા વિવિધ પ્રકારની યોગ્ય પોષણયુકત વાનગીઓને લઈ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કિશોરી, બાળકો અને ધાત્રી તથા સગર્ભા માતાઓ માટે પોષણયુકત આહારનું મહત્વ અને તેના ફાયદા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ બાળક અને કિશોરીઓના વિકાસ માટે યોગ્ય પોષણયુકત આહારની જરૂરીયાત વિશે પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણીશ્રી દિલીપભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.સુરેન્દ્રનગરના પ્રોગ્રામ ઓફિસરશ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ્, વઢવાણ સી.ડી.પી.ઓ.શ્રી તેમજ તેજલબેન દેસાઈ, સીમાબેન રણદેવ સહિત આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પાટડીમાં શાકભાજી સલાડ નિદર્શન કાર્યક્રમ યોજાયો

સંકલિત બાલ વિકાસ યોજના પાટડીના સી.ડી.પી.ઓ.ની યાદીમાં જણાવ્યા અનુસાર યોગ્ય પોષણ દેશ રાશન અન્વયે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે પાટડી નગરપાલિકા વિસ્તારમાં પોષણ માસ અભિયાન અંતર્ગત પોષણયુકત વાનગીઓનું નિદર્શન યોજાયું હતું.

જેમાં આઈ.સી.ડી.એસ. ઘટક – ૧ ના સી.ડી.પી.ઓ.શ્રી મનહરબા ઝાલાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકરો દ્વારા શાકભાજી વેજીટેબલ સલાડનો નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૩ થી ૬ વર્ષના બાળકોને સુખડી વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટડી તાલુકા વિકાસ અધિકારીશ્રી, પાટડી નગરપાલિકાના પ્રમુખશ્રી, અગ્રણીશ્રી ગીતાબેન સહિત આંગણવાડીના બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:39 am IST)