Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભાવનગરમાં તોફાની પવન - ગાજવીજ સાથે ધોધમાર : વૃક્ષો ધરાશાયી - પતરા ઉડયા

અનેક જગ્યાએ વિજળી પડી : અડધાથી ૩ ઇંચ વરસાદ વરસ્યો : નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૯ : ભાવનગર શહેરમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે શહેરમાં અનેક સ્થળે વિજળી પડી છે. વિજપોલ પડી ગયા છે. વૃક્ષો ધરાશયી થયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ એકથી ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા. વીજળીના કડાકાથી લોકો ડરી ગયા હતા.

ભાવનગરમાં ગઇ રાત્રે તોફાની પવન અને વીજળીના કડાકા - ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન સાથેના વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. ડરામણી વિજળીથી નગરજનો ગભરાઇ ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા. કેટલાક સ્થળે વૃક્ષો ધરાશયી થયા હતા. પતરા ઉડયા હતા. શહેરના તળાજા રોડ, કામીનીયા રોડ પર વીજ પોલ ધરાશયી થયો હતો.

ભાવનગરમાં ૭૭ મીમી, મહુવામાં ૭૬ મીમી, વલભીપુરમાં ૪૯ મીમી, જેસરમાં ૪૬ મીમી, સિહોરમાં ૪૨ મીમી, ઘોઘામાં ૩૩ મીમી, ઉમરાળામાં ૩૧ મીમી, ગારીયાધારમાં ૨૭ મીમી, પાલીતાણામાં ૨૭ મીમી તળાજામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો છે.

આજે સવારે પણ શહેર અને જિલ્લાભરમાં મેઘસવારી ચાલુ છે.

ભાવનગરમાં બે જગ્યાએ વીજળી પડી છે. શહેરના સુભાષનગર પંચવટી ચોક રાધેશ્યામ ફલેટમાં વીજળી પડતા દિવાલોમાં તિરાડ પડી છે અને પતરા તોડી નાખ્યા હતા. સદ્ભાગ્યે કોઇને ઇજા થઇ ન હતી. જ્યારે શહેરના આનંદનગર વિસ્તારમાં વિમાના દવાખાના પાસે વિજળી પડી હતી.

તળાજામાં વિજળી પડી

ભાવનગર જિલ્લાના તળાજામાં વાવ ચોકમાં વિજળી પડી હતી. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવનથી પતરા ઉડયા હતા.

(11:11 am IST)