Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આમરણ ગામ અડધો દિવસ બંધ

ઉધાર કરીયાણુ નહીં આપતા હૂમલો કરાયાના વિરોધમાં

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ર૯ :.. આમરણ ખાતે ગત રવિવારે મોડી રાત્રે અહીંના વેપારી અમીતભાઇ ભુપતભાઇ સોમૈયા (ઉ.૩૯) તેમજ તેમના પત્ની ચેતનાબેન ઉપર બે લુખ્ખા શખ્સોએ ઉધારમાં કરીયાણું નહીં આપવા બાબતે લાકડાના ધોકાવડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની આપેલ ધમકીની ઘટનાને પગલે આજે અડધો દિવસ આમરણ બંધનું વેપારી આલમ દ્વારા એલાન કરવામાં આવતા વેપારીઓએ આજ સવારથી ધંધા-રોજગાર બંધ રાખી ઘટનાને વખોડી કાઢી વિરોધ દર્શાવી રોષપૂર્ણ બંધ પાળવામાં આવેલ છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ફરીયાદી અમીતભાઇ સોમૈયા બસ સ્ટેશન વિસ્તારમાં તુલસી બેકરી નામે દુકાન ધરાવે છે.

ગત રવિવારે રાત્રે ફરીયાદી હોટલેથી જમીને પોતાની ગાડી ઘરની બાજુમાં પાર્ક કરી રહયા હતા ત્યારે આવી પહોંચેલા આરોપી રાજ ડાંગર તેમજ પરેશ દિલીપભાઇ કાસુન્દ્રા (બંને રહે. બેલા) નામના શખ્સોએ બોલાચાલી કરી તું અમોને બાકીમાં કરીયાણુ કેમ નથી આપતો ? તેમ કહી હાથમાં રાખેલ ધોકા વડે તુટી પડતા ફરીયાદીને હાથે પગમાં વાંસામાં ઇજા પહોંચાડી હતી. દેકારો થતા ઘરમાંથી દોડી આવી ફરીયાદના પત્ની ચેતનાબેન પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા આરોપી રાજ ડાંગરે ચેતનાબેનના માથામાં ધોકો મારી માથુ ફોડી નાખતા ઇજાગ્રસ્ત હાલતમાં તાકીદે મોરબી ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પો. હેડ કોન્સ્ટે. કિશોરભાઇ સોલગામાએ તપાસ હાથ ધરી છે.

(12:05 pm IST)