Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઉર્જા મંત્રીના કાર્યાલયને જવાબ ન આપનાર જેતપુર પંથકના વીજ અધિકારીને નોટીસ

અધિકારીઓ - કર્મચારીઓની આડોડાઇ બિલકુલ ચલાવાશે નહિ : ખેડૂતના પ્રશ્ને ખુદને અનુભવ થતા ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલ આકરા પાણીએ

રાજકોટ તા. ૨૯ : રાજ્યના ઉર્જા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલએ ફરજમાં બેદરકારી દાખવતા વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને શાનમાં સમજી જવા તાકીદ કરી છે.

પી.જી.વી.સી.એલ.ના કાર્યક્ષેત્રમાં આવતા જેતપુર પંથકના એક ખેડૂતની વીજ જોડાણ બાબતની ફરીયાદ અંગે ખુદ મંત્રી મુકેશ પટેલએ સબંધિત ઇજનેરને ફોન કરી અહેવાલ માંગેલ. મંત્રીશ્રી સાથે ફોનમાં વાત થયા પછી મંત્રીશ્રીના ગાંધીનગર કાર્યાલય દ્વારા વારંવાર ફોન કરવા છતાં અધિકારીએ ફોન રીસીવ કરેલ નહિ તેમજ અહેવાલ પણ મોકલેલ નહિ. આ બાબતે વીજ કંપનીના એમ.ડી.નું ધ્યાન દોરી જવાબદાર અધિકારીને શો-કોઝ નોટીસ આપી છે અને ભવિષ્યમાં ભૂલનું પુનરાવર્તન ન કરવા કડક તાકીદ કરી છે.

શ્રી મુકેશ પટેલે જણાવેલ કે, સરકારનો પ્રજાલક્ષી અભિગમ છે. હાલ જવાબદાર અધિકારીને માત્ર નોટીસ આપી છે પરંતુ બીજી વખત આવું બને તો કડક પગલા લેવાશે.

(12:59 pm IST)