Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભાઇની હત્યાનો બદલો લેવા મોરબી પાસે કાર ઉપર ફાયરીંગ

જોડીયાના તારાણા ગામના વિપુલભાઇ પીઠમલ તથા હિરાભાઇ સ્વીફટ કારમાં જતા હતા ત્યારે પીપળીયા : ચાર રસ્તા પાસે બ્લેક કલરની ક્રેટા કારમાં આવેલા પાંચ શખ્સો ફાયરીંગ કરી નાસી છુટયાઃ કારમાં નુકશાન : ફાયરીંગ કરનાર આરોપી રાધાભાઇના ભાઇ વાજસુરભાઇનું અગાઉ મર્ડર થયેલ હોય તેનો ખાર રાખી રાધાભાઇ સહીતના પાંચ શખ્સો દ્વારા ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરીયાદઃ વધુ એક ફાયરીંગની ઘટનાથી મોરબી પંથકમાં ખળભળાટ

રાજકોટ, તા., ૨૯: મોરબી પંથકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી ખાડે ગઇ હોય તેમ સરાજાહેર હત્યા અને ફાયરીંગના બનાવો છાશવારે બનતા રહે છે. પરમદિ' રાત્રે વધુ એક ઘટનામાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સ્વીફટ કારમાં બેઠેલા બે શખ્સો પર સરાજાહેર ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ ફાયરીંગના ઘટનામાં કોઇને ઇજા નથી થઇ પણ કારમાં નુકશાન થયું છે.

મળતી વિગતો મુજબ જોડીયાના તારાણા ગામે રહેતા વિપુલ લક્ષ્મણભાઇ પીઠમલ તથા હિરાભાઇ સ્વીફટ કાર જીજે ૦૩ કે.સી. ૬૯૭૦માં જતા હતા ત્યારે મોરબી પીપળીયા ચાર રસ્તા પાસે બ્લેક કલરની ક્રેટા કારમાં આવેલા રાધાભાઇ, હમીર મેપા, કાનાભાઇ હમીરભાઇ, ભરત બચુ તથા બબલુ સહીતના શખ્સોએ જોટામાંથી સ્વીફટ કાર ઉપર ૪ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. આ ફાયરીંગને કારણે કારનો ડ્રાઇવર સાઇડનો  કાચ તુટી ગયો હતો. બનાવ બાદ આરોપીઓ નાસી છુટયા હતા.

કારમાં બેઠેલા વિપુલ પીઠમલે તેની કાર ઉપર ફાયરીંગ કરી નાસી છુટેલા ઉકત પાંચેય શખ્સો સામે મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના કાકા મેપાભાઇ માંડણને આરોપી રાધાભાઇ સાથે ખેતરમાં જીઇબીના થાંભલા નાખવા બાબતે ઝઘડો થતા રાધાભાઇના ભાઇ વાજસુરભાઇનું મર્ડર થયું હતું. આ હત્યાની ઘટનાનો રાગદ્રેષ રાખી  ઉકત આરોપીઓએ કારમાં આવી ફાયરીંગ કરી ફરીયાદી તથા સાહેદની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

બનાવ અંગે મોરબી તાલુકાના પીઆઇ એમ.આર.ગોઢાણીયાએ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)