Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમરેલીના ધોબા ગામેથી દારૂની ૮૩૯ બોટલો જપ્ત : ૨ શખ્સોની સંડોવણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૯: ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી.આશિષ ભાટીયાએ રાજયમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે વંડા પોલીસ સ્ટેશનના ધોબા ગામે રહેતા પ્રતાપ ભીમભાઇ પટગીર તથા જોરૂ ભીમભાઇ પટગીર ધોબા ગામે પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમેે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો પકડી પાડી, ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ મુદ્દામાલ વંડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

સંડોવાયેલ આરોપીઓઃ પ્રતાપ ભીમભાઇ પટગીર રે.ઘોબા તા.- સાવરકુંડલા જી.- અમરેલી જોરૂ ભીમભાઇ પટગીર રે.ઘોબા તા.- સાવરકુંડલા જી.- અમરેલીના નામ ખુલ્યા છે.

ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૮૩૯ કુલ કિ.રૂ.-૨,૭૮,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉપરોકત કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:08 pm IST)